તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 23rd June 2025
કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૬.૩૩ % મતદાનઃ વિધાનસભા
અને લોકસભાની ચૂંટણી કરતાં મતદારોનો વધુ ઉત્સાહ : ચિત્રોડ ગામે બે જૂથ બાખડ્યા, ૧૧૮ પંચાયતમાં સામાન્ય અને ૧૧માં પેટાચૂંટણી, ૯ તાલુકામાં ૧,૭૬,૧૫૬ મતદારોએ કર્યું મતદાન, ૧૬૬૨ ઉમેદવારોનું ભાવિ ૨૮૮ મતદાન કેન્દ્રોની મત પેટીઓમાં સીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: કચ્છમાં ગઈ કાલે ગોરંભાયેલા આકાશ વચ્ચે મેઘરાજાના બદલે મતદારો વરસ્યા હતા. ગત ચૂંટણીઓ કરતા પણ ત્રણ ટકા વધુ મતદાન થયું હતું. ખરું પૂછો તો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કરતા યે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ મતદાન સાથે મતદારોનો ઉત્સાહ દેખાયો હતો અને તે ૭૬.૩૩ ટકા રેકર્ડ મતદાનમાં પરિણમ્યો હતો. અનેક ગામોમાં ભારે રસાકસી વચ્ચે નાની મોટી ગરમાગરમી બાદ એકંદરે માહોલ શાંત રહ્યો હતો. જોકે, રાપરના ચિત્રોડ ગામે બે જૂથ વચ્ચે બાથંબાથી સાથે મારામારી થઈ હતી. પરંતુ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. મતદાનની આંકડાકીય માહિતી આ પ્રમાણે છે કચ્છના ૧૦ તાલુકાઓ પૈકી ૯ તાલુકાની ૧૧૮ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી જ્યારે ૧૧ માં પેટા ચૂંટણીઓ યોજાઇ હતી. ૧૧૮ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૬.૩૩ ટકા મતદાન સાથે કુલ ૧,૭૬,૧૫૬ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ૧૧ ગ્રામ પંચાયતની પેરા ચૂંટણીમાં ૬૨.૮૫ ટકા મતદાન સાથે ૧૦૮૯૫ મતદારોએ મતદાન કેન્દ્રોમાં મતદાન કર્યું હતું. કુલ મતદાન કર્યું હતું. કુલ મળીને ૧૬૬૨ ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં સીલ થયું છે. હવે ૨૫ જૂનના જાહેર થનારા પરિણામો ઉપર સૌની નજર છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
