<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

દાઉદે પડોશી જીજ્ઞેશને ‘ચાલ કુશ્‍તી કરીએ' કહી ગળચી પકડી લીધી પછી ટોળકી રચી હુમલો કર્યોઃ છ ઘવાયા

રાતે અગિયાર વાગ્‍યે બોલાચાલી બાદ મોડી રાતે દાઉદ સહિતના ઘરે ધસી આવ્‍યાઃ દરવાજા તોડી અંદર ઘુસી જીજ્ઞેશ ભરવાડ, તેના માતા, પિતા, ત્રણ ભાઇઓને ઘાયલ કર્યાઃ સામા પક્ષે દાઉદના દિકરાને પણ ઇજાઃ સાતેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા મોરબી વીસીપરામાં મંદિરના ઝાડને પાણી પાઇ ઘરે જઇ રહેલા યુવાન સાથે માથાકુટ બાદ ધારીયા-ધોકા-છરી ઉડયા પડોશી દાઉદ જામ સહિતના હુમલામાં ઘાયલ થયેલો જીજ્ઞેશ રાવા અને તેના માતા પિતા તથા ભાઇઓ રાજકોટની હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે

રાજકોટ તા. ૨૫: મોરબીના વિસીપરામાં મોડી રાતે પડોશીઓ વચ્‍ચે મારામારી થતાં એક જ પરિવારના છ અને સામા પક્ષના એક મળી સાતને ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. ભરવાડ યુવાન મંદિરના ઝાડને પાણી પાઇ ઘરે જતો હતો ત્‍યારે પડોશી મુસ્‍લિમ શખ્‍સે તેને અટકાવી ‘ચાલ કુશ્‍તી કરીએ' કહેતાં આ યુવાને મોટા ભાઇ તમારી સાથે મારી નથી માથાકુટ કરવી તેમ કહી તે ઘર તરફ ચાલતો થતાં આ શખ્‍સે પાછળથી તેની ગળચી પકડી લેતાં ઝઘડો થયો હતો. બાદમાં તેણે ટોળકી રચી ભરવાડ પરિવારના ઘરના દરવાજા તોડી અંદર ઘુસી હુમલો કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબી વિસીપરામાં રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં જીજ્ઞેશ ગોવિંદભાલ રાવા-ભરવાડ (ઉ.વ.૩૩) પર રાતે પડોશી દાઉદ જામ, તેના દિકરા રાયધન જામ, લતીફ સહિતે ટોળકી રચી ધારીયા, ધોકા, પાઇપ, છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. જીજ્ઞેશને બચાવવા તેના પિતા ગોવિંદભાઇ ખીમજીભાઇ રાવા (ઉ.વ.૬૨), માતા કુંવરબેન (ઉ.વ.૬૦) તથા ત્રણ ભાઇઓ વિજય રાવા (ઉ.વ.૨૫), બાબુ રાવા (ઉ.વ.૩૪) અને મહેશ રાવા (ઉ.વ.૩૨) વચ્‍ચે પડતાં આ તમામને પણ ઘાયલ કરી દેવાયા હતાં.

દેકારો મચી જતાં આસપાસના રહેવાસીઓ ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. જો કે રાવા પરિવારના લોકોએ બચાવ કરતાં સામા પક્ષના રાયધન દાઉદભાઇ જામ (ઉ.વ.૨૧)ને પણ ઇજા પહોંચી હતી. તમામને મોરબી હોસ્‍પિટલમાં ખસેડી ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહ સહિતે મોરબી બી-ડિવીઝન પોલીસન ેજાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી જીજ્ઞેશ રાવાએ કહ્યુ઼ હતું કે અમારા ઘર પાસે હનુમાનજીનું મંદિર છે. દરરોજ રાતે હું ત્‍યાં ઝાડ-છોડને પાણી આપવા જાઉ છું. રાતે અગિયારેક વાગ્‍યે પાણી પાઇ હું ઘર તરફ જતો હતો ત્‍યારે રસ્‍તામાં પડોશી દાઉદ જામ મળેલ. તેણે નશો કર્યો હોય તેવુ મને લાગ્‍યું હતું. તેણે મને ઉભો રાખી ‘હાલ કુશ્‍તી કરવી છે?' કહેતાં મેં તેને ‘તમે મોટા ભાઇ છો, મારી તમારી સાથે ઝઘડવું નથી' તેમ કહેતાં તેણે મને તો પછી તું ઘરે જા એમ કહ્યું હતું. આથી હું ચાલતો થતાં તેણે અચાનક પાછળ આવી મારી ગળચી પકડી ગાળો દેતાં માથાકુટ થઇ હતી. એ પછી હું ઘરે જતો રહ્યો હતો.

મોડી રાતે અમે બધા સુઇ ગયા હતાં ત્‍યારે દાઉદ સહિતના ટોળકી રચી અમારા ઘરના દરવાજા તોડી અંદર ઘુસી ગયા હતાં અને અમારા બધા પર હુમલો કર્યો હતો. મોરબી બી-ડિવીઝન પોલીસે આ મામલે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

(2:27 PM IST)