<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

દ્વારકાધીશ જગતમંદિરમાં શનિવારે અષાઢી બીજની પરંપરાગત ઊજવણી કરાશે

( વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૫: દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.ર૮ જુન, ર૦રપને શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ સુધી પુષ્‍ય નક્ષત્ર અને ઉદયાત તિથિ અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્‍વરૂપનો રથયાત્રા ઉત્‍સવ યોજાશે. શનિવારે અષાઢી બીજના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્‍વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્‍ય ગર્ભગળહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર દ્વારા આયોજિત રથયાત્રા મહોત્‍સવમાં હજારો ભાવિકો જોડાશે. રથયાત્રા મહોત્‍સવનો સર્વે વૈષ્‍ણવોએ લાભ લેવા મંદિરના વારદાર પૂજારી ની યાદીમાં જણાવાયું છે.

ભગવાન દ્વારકાધીશના બાળ સ્‍વરૂપની મુખ્‍ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્‍ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્‍તંભ સાથે અથડાવવામાં આવશે. લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્‍તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્‍યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો - લોકોના ઘર ધન-ધાન્‍યથી ભરાય છે તેવી માન્‍યતા છે.

 (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) 

(11:27 AM IST)