<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દે ધનાધન વરસાદઃ વિસાવદર-પ, તાલાળા-૩ાા, માળીયાહાટીનામાં-૩ ઇંચ

આજે સવારથી સર્વત્ર મેઘાવી માહોલ જામતા અષાઢી બીજ પહેલા જ લોકોમાં ઉત્‍સાહ છવાયોઃ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ જીલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન

રાજકોટ, તા., ૨૬: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. સાર્વત્રિક વરસાદ પડતા અષાઢી બીજના આગલા દિવસે જ લોકોમાં ઉત્‍સાહ છવાયો છે. દર વર્ષે મેઘરાજા અષાઢી બીજનું મુહુર્ત સાચવતા હોય તેવી માન્‍યતા છે. ત્‍યારે આ વખતે અષાઢી બીજના આગલા દિવસે જ મેઘરાજા ખાબકયા છે.

જુનાગઢ

(યાસીન બ્‍લોચ-વિનુ જોશી)જુનાગઢ-વિસાવદર : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ સહીતના અનેક જીલ્લાઓમાં અડધાથી પાંચ ઇંચ જેટલો વરસાદ આજે સવારથી બપોર સુધીમાં વરસ્‍યો છે.

આજે સવારમાં ૧૦ વાગ્‍યાથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને ૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્‍યો છે.

જયારે માળીયાહાટિનામાં ૩ અને મેંદરડામાં દોઢ ઇંચ તથા માણાવદર અને કેશોદમાં ૨ ઇંચ વરસાદ પડયો છે. જયારે જૂનાગઢ અને માંગરોળમાં વરસાદી ઝાપટા પડયા છે.

જૂનાગઢ જિલ્લામાં હવામાનમાં પલ્‍ટો આવતા ગિરનાર રોપવે આજે બપોરે બંધ કરી દેવામાં આવ્‍યો છે. આજે સવારે ૩ કલાક ચાલુ રહ્યા બાદ ફરીથી રોપવે સેવા બંધ કરી દેવાય છે.

અમરેલીનાં પ્રતિનિધી અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવ્‍યુ઼ છે કે આજે બપોરના ર વાગ્‍યા સુધીમાં અમેરલી શહેરમાં ર ઇંચ વરસાદ વરસાદ વરસ્‍યો હતો.  જયારે કુકાવાવ, વડીયા, તાલુકામાં અઢી ઇંચ, બાબરામાં દોઢ ઇંચ, રાજુલામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જીલ્લાના પ્રતિનિધિના અહેવાલ મુજબ તાલાળા ગીરમાં ૩ાા ઇંચ વરસાદ પડયો છે. જયારે સુત્રાપાડા અને વેરાવળમાં ઝાપટા વરસ્‍યા છે

(4:00 PM IST)