News of Thursday, 26th June 2025
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી :મેઘલ નદીમાં ઘોડાપુર માણેશ્વરના શિવલિંગ પાણીમાં ગરકાવ : નીચાળવાળા વિસ્તારોમાં એલર્ટ
ઓઝત ડેમના બે દરવાજા 0.45 મીટર દરવાજા ખોલાયા : ઓઝત શાપુર ડેમના 10 દરવાજા અને ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા; સતાધારના અંબાજળ ડેમમાં પાણીની આવક

જૂનાગઢ જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢના માળીયા તાલુકાની મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. માણેશ્વર શિવલિંગનો પાણીમાં ગરકાવ થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.
ઓઝત ડેમના બે દરવાજા 0.45 મીટર દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઓઝત શાપુર ડેમના 10 દરવાજા ખોલાયા હતા. ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા હતા. વિવિધ ડેમ ભયજનક સપાટી પર જોવા મળ્યા હતા.સતાધારના અંબાજળ ડેમમાં પાણીની આવક થઈ હતી. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. માંગરોળ નોળી નદીમાં પૂર આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીમાં પુર આવ્યું હતું. કામનાથ મહાદેવના મંદિરમાં નદીના પાણી ઘુસી જતા મહાદેવને જલાભિષેક થયો હતો. નદીના પટમાં અવરજવર નહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. જૂનાગઢ શહેરમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા ગિરનાર પર્વત પરથી ઝરણા વ્હેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પર ઝરણા વહેતા થતા સુંદર નજારો સામે આવ્યો છે. તો બીજી તરફ ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર જતાં જંગલ વિસ્તારમાં ઝરણાં વહેતાં થયાં. ચોમાસાની ઋતુમાં ગિરનારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે અને મનમોહક નજારો જોવા મળે છે. પ્રવાસીઓએ સીડી પરથી વહેતા ઝરણાના વિડીયો કેમેરામાં કેદ કર્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે 26 જૂનના રોજ સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ, રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જુનાગઢના માળિયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના મહુવામાં 4.76 ઈંચ વરસાદ,વિસાવદરમાં 4.65 ઈંચ, ખેરગામમાં 4.25 ઈંચ, તાલાલામાં 4.2 ઈંચ, 4.2 ઈંચ વરસાદ, બારડોલીમાં 3.46 ઈંચ, રાણાવાવમાં 3.23 ઈંચ વરસાદ, 6 તાલુકામાં 3 ઈંચ સુધીનો વરસાદ, 18 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ, અન્ય તાલુકામાં દોઢ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ગુજરાતના 206 જળાશયોમાં 44.51 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 49.38 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં 3 હજાર 659 અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 652 અસરગ્રસ્તોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બચાવકાર્ય માટે NDRFની 13 અને SDRF 20 ટુકડી તૈનાત કરવામાં આવી છે. અનેક જગ્યાઓએ રસ્તા થયા બંધ, અનેક જગ્યાએ વીજપુરવઠો ખોવાયો છે. માછીમારોને 26 થી 29 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. તે ખૂબ મજબૂત છે એનો ટ્રક અરબસાગર સુધી લંબાયેલો છે જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, તો બીજા વિસ્તારોમાં પણ સારા એવો વરસાદ નોંધાઈ શકે છે, અંતે ઓલઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
