News of Friday, 27th June 2025
એક બાજુ મુખ્યમંત્રીની હાજરી બીજી બાજુ પશ્ચિમ કચ્છના કોટડા મઢ અને પૂર્વ કચ્છના અમરાપર ગામે શિક્ષકોની ઘટના અભાવે શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર
અબડાસાના ધારાસભ્યની હાજરી છતાંય કોટડા ગામે એક પણ વિદ્યાર્થી શાળામાં ન ગયો જ્યારે અમરાપરમાં પણ વાલીઓનો વિરોધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છમાં યોજનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન પૂર્વ અને પશ્ચિમ કચ્છના બે ગામોએ બહિષ્કાર કરી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે. કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી રોકવા કચ્છ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની વારંવારની રજૂઆત છતાયે ગાંધીનગરની શૈક્ષણિક કચેરી દ્વારા રજૂઆતને ધ્યાને લીધા વગર મોટા પાયે બદલીઓ કરી દેવાય છે. પરિણામે કચ્છમાં શિક્ષકોની ઘટ કાયમ રહે છે. સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની સાથે સાથે શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવવાની જરૂરત છે એવી વાલીઓની રજૂઆતો અને મીડિયાના અહેવાલોમાં પણ અવારનવાર કહેવાયું છે. પરંતુ સરકારમાં જાહેરાતો જેટલો અમલ ઝડપી નથી, શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ શિક્ષકોની નિમણૂક ઝડપથી કરાઈ નથી.
પશ્ચિમ કચ્છના કોટડા મઢ ગામે વાલીઓએ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની હાજરીમાં જર્જરિત શાળા અને શિક્ષકોની ઘટ બાબતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ગામના ૪૦૦ પૈકી એક પણ વિદ્યાર્થી શાળામાં ન જતા ધારાસભ્ય અને આગેવાનોએ પરત ફરવું પડ્યું હતું. બીજી બાજુ પૂર્વ કચ્છના રાપર તા. ના અમરાપર ગામે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષકોની ઘટના મુદ્દે બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. ગામના ૧૦૭ પૈકી એક પણ વિદ્યાર્થી શાળામાં ન જતા આગેવાનોએ પરત ફરવું પડ્યું હતું.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
