News of Friday, 27th June 2025
જસદણના વડોદના પુર્વ સરપંચને મરી જવા મજબૂર કરનાર મહિલા, હાલના સરપંચ સહિત ૪ સામે ફરિયાદ
વૃધ્ધ માલાભાઇ ચાવડા જેલમાંથી છુટયા પછી પણ બળાત્કારની ફરિયાદ નોંધાવનાર મહિલા સહિતનાએ વિડીયો બનાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દેતાં માલાભાઇએ વાડીએ ઝેર પી જીવ આપ્યોઃ મૃતકના પુત્રવધૂ ભારતીબેન ચાવડાએ ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૨૭: જસદણના વડોદ ગામના પુર્વ સરપંચ વૃધ્ધ સામે ગામની મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તે જેલમાં ગયા બાદ જામીન પર છુટયા હોઇ પછી પણ અગાઉ ફરિયાદ નોંધાવનાર મહિલા સહિતે વિડીયો બનાવી પુર્વ સરપંચને ખોટા ગુનામાં ફીટ કરી દેવા ધમકી આપી હોઇ તેઓ મરી જવા મજબૂર થતાં વાડીએ ઝેર પી આપઘાત કરી લેતાં આ બારામાં જસદણ પોલીસે એક મહિલા તેમજ વડોદ ગામના હાલના સરપંચ સહિત ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં જસદણ પોલીસે વડોદ ગામે રહેતાં અને આશાવર્કર તરીકે કામ કરતાં ભારતીબેન પ્રવિણભાઇ ચાવડા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી જસદણના વડોદ ગામની મહિલા તેમજ જલા ભોળાભાઇ ઓળકીયા, સંજય જાગાભાઇ ઓળકીયા તથા હાલના વડોદ ગામના સરપંચ હીમત ગોરધનભાઇ ડાભી વિરૂધ્ધ ફરિયાદી ભારતીબેનના સસરા સામે બળાત્કાર ગામની એક મહિલાએ બળાત્કારની ફયિરાદ દાખલ રાવી હોઇ જામીન પર મુક્ત થયા બાદ તેનો વિડીયો બનાવી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતાં તેઓ ઝેરી દવા પી મરી જવા મજબૂર થયાનો ગુનો નોંધ્યો છે.
ભારતીબેન ચાવડાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે હું પતિ સાથે રહુ છું અને મારે ત્રણ નણંદ છે. મારા સાસુ પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા છે. મારા સસરા માલાભાઇચાવડા (ઉ.વ.૬૫) ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં અને વાડીએ જ રહેતાં હતાં. ત્રણ મહિના પહેલા મારા સરા વિરૂધ્ધ ગામની મહિલાએ બળાત્કારનો ગુનો દાખલ કરાવતાં મારા સસરા એક મહિનો જેલમાં રહ્યા હતાં. ૨૫/૬ના હું અને મારા સસરા ઘરે હતાં ત્યારે રાતે વાળુ કર્યા બાદ સસરાએ કહેલું કે આવતી કાલે મારે રાજકોટ સેસન્સ કોર્ટમાં મુદ્દત છે. જેથી હું રમેશભાઇને મળવા જાવ છું. તેમ કહી તે ઘરેથી નીકળી ગયા હતાં. થોડીવાર પછી તે પાછા આવ્યા હતાં અને હવે હું વાડીએ જાઉ છું તેમ કહીને ગયા હતાં. અમે બાદમાં ઘરે સુઇ ગયા હતાં. બીજા દિવસે સવારે સાડા છએક વાગ્યે મારા પતિએ વાત કરી હતી કે પિતાજી વાડીએ ઓરડીની બહાર પડયા છે તેવો મનસુખભાઇનો ફોન આવ્યો છે.
આથી હું અને મારા પતિ, દિકરો સહિતના તુરત જ મોટરસાઇકલ લઇને વાડીએ ગયા હતાં. જ્યાં મારા સસરા ઓરડી બહાર ચત્તા પડેલા હતાં અને બેભાન જેવા હતાં. ૧૦૮ બોલાવી હતી પછી સસરાને જસદણ સરકારી દવાખાને લઇ ગયા હતાં. જ્યાં ગામના મનસુખભાઇ ચાવડા આવ્યા હતાં અને ડોક્ટરે મારા સસરાને મૃત જાહેર કર્યા હતાં. મને ારા સસરાના મોત વિશે શંકા હોઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનું કહેતાં મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. અહિ પોસ્ટમોર્ટમ થયા બાદ મારા સસરાએ ઝેરી દવા પી લેવાથી મોત થયાનું ડોક્ટરે જણાવ્યું હતું.
ભારતીબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારા સસરા વિરૂધધ અગાઉ ગામની મહિલાએ બળાત્કારની ફરિયાદક રી હતી. જેમાં અમારા ગામના જલા ઓળકીયા, સંજય રોજાસરા અને હાલના વડોદના સરપંચ હિમતભાઇ ડાભીએ ભેગા મળી મારા સસરાને ફસાવ્યા હોઇ અને મહિલાએ મારા સસરા પાસેથી અગાઉ એકાદ લાખ રૂપિયા પણ પડાવ્યા હોઇ અમારી સાથે જાતીગત ભેદભાવ રાખી મારા સસરાને ખોટી ફરિાયદમાં ફસાવી દેતાં તેમને જેલમાં જવું પડયું હોઇ અને જેલમાંથી છુટયા પછી પણ મારા સસરાનો વિડીયો બનાવી ફરી તેને ખોટી ફરિયાદમાં ફસાવી દેવા મહિલા સહિતનાએ ધમકી આપી હોઇ જેથી મારા સસરા માનસિક રીતે થાકી ગયા હતાં. આ બનાવથી તેમની આબરૂને પણ ધક્કો લાગ્યો હોઇ તેઓ આ ચારેયના ત્રાસથી મરી જવા મજબૂર થયા હતાં.
તેમ વધુમાં ભારતીબેને ફરિયાદમાં જણાવતાં પીઆઇ કે. જે. સથવારાએ બીએનએસની કલમ ૧૦૮, ૩૫૧ (૨), ૫૪ તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
