<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍ય રથયાત્રાનું પ્રસ્‍થાન

રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૨ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકડો રિક્ષા, ૨ હાથી, ૬ ઘોડા, દુર્ગાવાહિની અને બજરંગ દળના અખાડાઓ વિગેરે જોડાયા

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.,૨૭: આજે અષાઢી બીજના પર્વ એ ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રાનું સવારે ૮ કલાકે સુભાષનગર વિસ્‍તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર, જગન્નાથજી મંદિર ખાતેથી જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી જેવા ગગનભેદી નારા સાથે પ્રસ્‍થાન થયું હતું. રથયાત્રા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ લોકો તેમાં જોડાઈ રહ્યા છે.

ભારતની ત્રીજા ક્રમની અને અમદાવાદ પછી ગુજરાત રાજ્‍યની બીજા નંબરની ભાવનગરની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ને કારણે ભાવનગર આજે કેસરિયા માહોલમાં ભગવાન શ્રી જગન્નાથજીના રંગે રંગાયું હતું.

આજે સવારે રથયાત્રાના પ્રસ્‍થાન વેળાએ સંતો-મહંતોની નિશ્રામાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી સોનાના સાવરણાથી ‘છેડાપોરા' અને ‘પહિન્‍દ' વિધિ કરી રથનું દબદબાભેર પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. રથયાત્રામાં ૧૦૦ ટ્રક, ૨ જીપ, ૨૦ ટ્રેકટર, ૧૫ છકડો રિક્ષા, ૨ હાથી, ૬ ઘોડા, દુર્ગાવાહિની અને બજરંગ દળના અખાડાઓ તેમજ ગણેશ ક્રિડા મંડળ દ્વારા જિમ્‍નાસ્‍ટિક્‍સ, જુદી જુદી રાસ મંડળીઓ, સત્‍સંગ મંડળો, ડંકા, ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજે સાઉન્‍ડ સીસ્‍ટમ ઉપર ભગવાનના ગુણગાન ગાતા ગીતોનો કાર્યક્રમ તેમજ સામાજિક, ધાર્મિક સંસ્‍થાઓ વગેરેના ફલોટો જોડાયા છે.

રથયાત્રા સવારથી રાત સુધી ભાવનગર શહેરના ૧૭.૫ કિલોમીટરના નિયત રૂટ પર ફરનારી રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ, ભુંગળ મંડળી, ભજન મંડળી વિ. તેમજ વિવિધ અખાડાના દાવ આકર્ષણનું કેન્‍દ્ર બની બન્‍યા છે. રથયાત્રામાં ત્રણ ટન ચણાની પ્રસાદીનુ વિતરણ કરવામાં આવ્‍યું છે.

રથયાત્રામાં મિની ટ્રેન, લંબુ વાંદરા, છત્રી મંડળી, નાસિક ઢોલ, ભુંગળ મંડળી, વિગેરે પાત્રો તેમજ અખાડાના દાવ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. તમામ ફલોટો વચ્‍ચે સ્‍પર્ધાનુ આયોજન કરાયુ છે. જેમાં આકર્ષક ફ્‌લોટ અને વેશભુષામાં વિજેતા ફ્‌લોટને ઇનામ અપાશે.

આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે વહીવટીતંત્ર, પોલીસતંત્ર રથયાત્રા કમિટિ વિ.એ સંકલન સાધી તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. રથયાત્રામાં ૧૪ જેટલા DYSP કક્ષાના અધિકારી, પી.આઇ ૪૪, ૧૧૨ પી.એસ.આઈ, ૧૯૧૦ કોન્‍સ્‍ટેબલ જવાન અને ૧૫૧૫ હોમગાર્ડ, પાંચ એસ.આર.પીની કંપની, એક સી.આઈ. , એસ.એફની કંપની તેમજ એન્‍ટી સ્‍કોર્ડ ચેકિંગ જેવી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં તેના નિર્ધારિત રૂટ ઉપર પસાર થઈ રહી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકો તેમાં ઉત્‍સાહભૈર જોડાઈ છે. કેસરિયા માહોલમાં ભાવનગર આજે ભગવાન શ્રી જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે.

(11:50 AM IST)