News of Friday, 27th June 2025
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદથી 11 જળાશયો છલકાયા: અન્ય 6 ડેમમાં 90 ટકા સુધી ભરાયા : 29 ડેમો 'એલર્ટ' પર મુકાયા
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘમહેર થતા અનેક જળાશયો છલકાઈ ગયા છે, જ્યારે અન્ય ડેમો પણ તેમની ક્ષમતાના આરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે "હાઈ એલર્ટ" જાહેર કરવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
અમરેલી : રાજુલા તાલુકાનો ધતરવાડી ડેમ, સાવરકુંડલા તાલુકાનો સુરજવાડી ડેમ.
ભાવનગર : મહુવા તાલુકાનો રોજકી ડેમ, મહુવા તાલુકાનો બગડ ડેમ.
બોટાદ : બોટાદ તાલુકાનો ગોમા ડેમ, ગઢડા તાલુકાનો ભીમડાદ ડેમ.
જામનગર : જામનગર તાલુકાનો વાગડીયા ડેમ.
કચ્છ : મુંદ્રા તાલુકાનો કાલઘોઘા ડેમ.
સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનો વંસલ ડેમ, સાયલા તાલુકાનો લિમ-ભોગાવો-l ડેમ, મુળી તાલુકાનો સાબુરી ડેમ.
આ ઉપરાંત, રાજ્યના અન્ય 6 જેટલા ડેમોમાં પણ 90 ટકાથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેઓ પણ ટૂંક સમયમાં છલકાઈ શકે તેમ છે. આ ડેમો પર પણ વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
90 % થી વધુ ભરાયેલા ડેમોની યાદી
ભાવનગર : ઉમરાલા તાલુકાનો રાંગહોલા ડેમ.રાજકોટ : વીંછીયા તાલુકાનો ધારી ડેમ.મોરબી : હળવદ તાલુકાનો બ્રાહ્મણી ડેમ, મોરબી તાલુકાનો ઘોડાધ્રોઈ ડેમ.ભાવનગર : પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ.સુરેન્દ્રનગર : મુળી તાલુકાનો નાયકા ડેમ.
આ ઉપરાંત, 12 જેટલા ડેમો પણ 80 ટકાથી વધુ ભરાઈ ચૂક્યા છે, જેઓ પણ નજીકના ભવિષ્યમાં પોતાની પૂર્ણ ક્ષમતાએ પહોંચી શકે તેમ છે. આ ડેમો પણ વહીવટીતંત્રની સતર્કતા હેઠળ છે.
80 % થી વધુ ભરાયેલા ડેમોની યાદીજામનગર : જામનગર તાલુકાનો સપડા ડેમ, જામનગર તાલુકાનો રૂપારેલ ડેમ.રાજકોટ : પડધરી તાલુકાનો ન્યારી-II ડેમ, ધોરાજી તાલુકાનો ભાદર - II ડેમ.સુરેન્દ્રનગર : સાયલા તાલુકાનો નિમ્બમાણી ડેમ, ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ.અમરેલી : અમરેલી તાલુકાનો વાડી ડેમ.બોટાદ : રાણપુર તાલુકાનો ઉતાવલી ડેમ, ગઢડા તાલુકાનો માલપરા ડેમ, બોટાદ તાલુકાનો કાનીયાદ ડેમ.ભાવનગર : તળાજા તાલુકાનો પિંગળી ડેમ, પાલીતાણા તાલુકાનો રાજાવાલ ડેમ.
વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા "હાઈ એલર્ટ" અને "એલર્ટ"ને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સજ્જ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવે છે. અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા પણ વિનંતી છે.”
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
