તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 27th June 2025
દ્વારકામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણીઃ મુળુભાઇ બેરા-પબુભા માણેકની ઉપસ્થિતિ

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા તા. ર૭: તા. રપ જૂનના રોજ દ્વારકા ખાતે ‘‘સંવિધાન હત્યા દિવસ''ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૫માં આજના દિવસે તત્કાલીન કોંગ્રેસ સરકારે દેશ પર બળજબરીથી કટોકટી લાદી હતી, જેને દેશના લોકતંત્રના ઇતિહાસમાં સૌથી કલંકિત કાળખંડ તરીકે યાદ રાખવામાં આવે છે.
આ દિવસની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, તમામ આગેવાનોએ કટોકટીના સમયે દેશ પર થોપાયેલા તાનાશાહી શાસન, બંધારણીય મૂલ્યોના હનન અને લોકશાહી અધિકારોથી દેશના નાગરિકોને વંચિત કરવાના ઘાટનો કડક વિરોધ કર્યો હતો.
તત્કાલીન સરકાર દ્વારા પ્રેસની સ્વતંત્રતા દબાવવામાં આવી, અસહમતીના અવાજોને કચડવામાં આવ્યા, અને અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો તથા સામાન્ય નાગરિકોને વગર કોઈ ગુના જેલમાં મૂકવામાં આવ્યા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુળુભાઇ બેરા તથા દ્વારકા વિધાનસભાના માનનીય ધારાસભ્ય પભુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા. સાથે સ્ટેજ ઉપર ભાજપ તાલુકા પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વઢેર તથા અન્ય હોદેદારોની પણ હાજરી રહી હતી.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજન કલેકટર આર.એન. તન્નાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
