News of Friday, 27th June 2025
ગોંડલમાં ખીજડાવાળા મામાદેવના મંદિરે ૪૮મા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી : ભજન-ભોજનનો મહાપ્રસાદ અને ધર્મમય માહોલ છવાયો!
દાયકાઓથી ચાલી આવતી પરંપરા જીવંત : ભક્તજનો માટે સવારથી રાત સુધી પ્રસાદ અને સાંજે ભજન સંધ્યાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો : મહંતો દ્વારા સંતો-મહંતોનું કરાયું સન્માન

(ભાવેશ ભોજાણી દ્વારા)ગોંડલ: ધર્મ અને ભક્તિના પવિત્ર અવસર સમા અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ગોંડલ શહેર ભક્તિમય વાતાવરણથી તરબોળ બન્યું હતું. ગોંડલના ૩૧, ભોજરાજપરા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ખીજડાવાળા મામાદેવના મંદિરે આજે ૪૮મા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર ખાતે છેલ્લા ૪૮ વર્ષથી સતત અષાઢી બીજની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
અષાઢી બીજના આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ મામાદેવના દર્શન અને આશીર્વાદ લેવા માટે ભક્તજનોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભક્તજનો માટે ખાસ સવારે ૧૦:૦૦ વાગ્યાથી લઈને રાત્રિના ૧૦:૩૦ વાગ્યા સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સાંજના સમયે મંદિરે ભક્તિભાવપૂર્ણ ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ભજન સંધ્યામાં સ્થાનિક ભજન મંડળીઓ અને કલાકારોએ મામાદેવના ગુણગાન ગાતા સુમધુર ભજનો રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણમાં ભક્તિરસ છવાઈ ગયો હતો. ભક્તજનો પણ ભજનોમાં લીન બનીને આ દિવ્ય અનુભવનો આનંદ માણ્યો હતો.
આ પાવન અવસરે, મંદિરના મહંત શ્રી ચંદુબાપુ દેસાણી અને શ્રી મયુર બાપુ દેસાણી દ્વારા પધારેલા અગ્રણી મહેમાનો, સંતો અને મહંતોનું શાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને મામાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને અષાઢી બીજના આ ભક્તિમય પર્વની ઉજવણીને સફળ બનાવી હતી.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
