<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વિસાવદર પંથકમાં ફરી દીપડાનો આતંક : કાચાં મકાનમાં સૂતેલાં વૃદ્ધાને શિકાર બનાવવા દીપડો ત્રાટકયો

લીલીયામાં ખેડૂત પર હુમલો કરનાર દીપડાને પકડવા ૮ પાંજરા મુકાયાં છે, હવે શોભાવડલામાં પાંચ પાંજરાં ગોઠવાયાં લોકોમાં ફફડાટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૨૮: ગિરનારની ગોદમાં અને સતાધારની સમીપે આવેલ ગીરના પ્રવેશ દ્વાર સમા વિસાવદર પંથકમાં ફરીવાર દીપડાનો આતંક શરૂ થયો છે. શોભાવડલા (ગીર)માં દીપડાએ એક વળદ્ધાને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ આઠ દિવસ પહેલા લીલીયામાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલાખોર દીપડો પકડાતો નથી જેના કારણે લોકોમાં ફફડાટ મચી ગયો છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા લીલીયામાં ૮ જેટલા પાંજરા મૂકવામાં આવ્‍યા છે, જ્‍યારે શોભાવડલામાં પણ ચારથી વધુ પાંજરા મૂકી દીપડાને પકડવા મથામણ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં સફળતા મળતી નથી.

વિસાવદરના લીલીયામાં ખેડૂત પર હુમલો કરનાર દીપડાને પકડવા ૮ પાંજરા મુકાયાં છે, હવે શોભાવડલામાં પાંચ પાંજરાં ગોઠવાયાં છે.

વિસાવદર પંથકમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. દીપડાના આતંકથી સ્‍થાનિક ખેડૂતો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. હુમલાખોર દિપડાઓ પકડાતા નથી અને હુમલાની ઘટના સતત વધતી જાય છે જેથી વનતંત્ર પણ ચિંતાતુર બની ગયું છે. વિસાવદર તાલુકાના લીલીયા ગામમાં ગત તા. ૧૯ના બાબુભાઈ ગોવિંદભાઈ હિરપરા નામના ખેડૂત પર હુમલો કરનાર દીપડો હજુ પકડાયો નથી ત્‍યાં લીલીયાથી ૬ કિલોમીટર દૂર આવેલ શોભાવડલા ગીર ગામમાં રાત્રિના એક મકાનના ઘરમાં ઘૂસી દીપડાએ ભય પ્રસરાવી દીધો હતો. શોભાવડલા ગીરમાં રાત્રિના અઢી વાગ્‍યા આસપાસ વાછડીનો શિકાર કર્યો તેવામાં માલિક જાગી જતા દિપડો ત્‍યાંથી ભાગી ગયો હતો.

ત્‍યારબાદ ચારથી સાડા ચાર વાગ્‍યાના અરસામાં દિવાળીબેન વસ્‍તાભાઈ વાઘેલા નામના વળદ્ધા પોતાના કાચા મકાનમાં દરવાજો ખુલ્લો રાખી સુતા હતા ત્‍યાં અચાનક દીપડાએ આવી માથાના ભાગેથી તેમને પકડી શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળીબેનને માથામાં ઈજા કરતાં તેમણે બૂમાબૂમ કરતા દીપડો ત્‍યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્‍ત બનેલા દિવાળીબેનને સારવાર માટે પ્રથમ મેંદરડા અને હાલ જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. જાણ થતાં વનવિભાગની ટીમ રાત્રિના દોડી ગઈ હતી અને ચારથી પાંચ જેટલા અલગ અલગ જગ્‍યાએ પાંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ  હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયાએ પણ બનાવ સ્‍થળે પહોંચી તાત્‍કાલિક હુમલાખોર દીપડાને પકડવા માટે માંગ કરી છે.

(1:51 PM IST)