તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
ઉનાના અમોદ્રા ગામે વહેલી સવારે ખૂંખાર દીપડાએ એક ખેડૂત પર કર્યો જીવલેણ હુમલોઃ વન વિભાગે બેભાન કરી દીપડાને પાંજરે પૂર્યો
હુમલામાં ખેડૂતને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઉના : ઉના તાલુકાના અમોદ્રા ગામે વહેલી સવારે દીપડાએ એક ખેડૂત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. આ હુમલામાં ખેડૂતને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમોદ્રા ગામના ખેડૂત રમેશ ઝાલાવાડીયા વહેલી સવારે પોતાના પશુ બાંધવાના મકાનમાંથી અવાજ આવતા ત્યાં જોવા ગયા હતા. આ જ સમયે અચાનક ધસી આવેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં રમેશભાઈને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ખેડૂત પર હુમલો કર્યાં બાદ દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને રસોડા લપાઈ ગયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. જે બાદ ઇજાગ્રસ્ત ખેડૂત રમેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા દીપડાને ટેંગુલાઈઝર ગન વડે બેભાન કરીને મહામહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ આ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
અમોદ્રા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓની સતત અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
