તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલીમા પક્ષીઓ માફક ઊડાઊડ કરતા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેંજ કરવાની પ્રબળ માંગ : શહેરીજનો દ્વારા ધરણા
જો ટ્રેઈની વિમાનોનો રૂટ બદલવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એરપોર્ટના ઘેરાવથી લઈને રનવે ખોદી નાખવા સુધી લડી લેવાની ચિમકી અમરેલી નગરપાલિકાના સદસ્ય સુરેશ શેખવા સહિતનાએ ઉચ્ચારી

અમરેલી : અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરના લોકો એટલી હદે ગભરાઈ ગયા છે કે અમરેલી પર પક્ષીઓ માફક ઊડાઊડ કરતા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેંજ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. એટલુ જ નહી આજે આ મુદ્દે અમરેલીના રાજકમલ ચોકમાં કેટલાક શહેરીજનોએ ધરણા પણ યોજ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી અમરેલી શહેરમાં એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે. પાયલોટની ટ્રેનિંગ માટે દિવસભર અમરેલી શહેર પર નાના વિમાનો સતત ઊડાઊડ કરતા રહે છે. થોડા મહિના પહેલા અમરેલીના એક રહેણાંક વિસ્તારમાં એક મિનિ પ્લેન ક્રેશ પણ થયુ હતું જેમાં એક પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતુ. આ ઘટના બાદ અમરેલી શહેરના લોકો સતત પ્લેન અકસ્માતના ભયમાં રહે છે. પરંતુ હવે અમરેલી શહેરના કેટલાક લોકોએ આ પ્લેનનો રૂટ ચેંજ કરવા માંગ ઉઠાવી છે. અગાઉ અમરેલી કલેક્ટરને રજુઆતનું પરિણામ નહી આવતા આજે રાજકમલ ચોકમાં ઘરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી પ્લેન દુર્ઘટના અને ત્યાર બાદ અમદાવાદ પ્લેન દુર્ઘટના આ બન્ને દુર્ઘટનાથી અમરેલીના લોકોના જીવ તાળવે ચોટયા છે. અમરેલી શહેર પર સતત ઉડતા ટચુકડા વિમાનનો રૂટ બદલવાની માંગ સાથે શહેરીજનો મેદાનમાં આવ્યા છે. અમરેલી નગરપાલિકાના સદસ્ય સુરેશ શેખવાએ જણાવ્યું હતું કે જો ટ્રેઈની વિમાનોનો રૂટ બદલવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એરપોર્ટના ઘેરાવથી લઈને રનવે ખોદી નાખવા સુધી લડી લેવાની ચિમકી ઉચ્ચારી હતી.
ટ્રેની વિમાનોની ઊડાઊડ સામે વિરોધ કરી રહેલા શહેરીજનો કહી રહ્યા છે કે ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની જરૂર નથી. જરૂર છે માત્ર રુટ ચેંજ કરવાની. ત્યારે હવે આ લડાઈ આગામી દિવસોમાં ક્યાં સુધી પહોંચે છે તે જોવુ રહ્યું.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
