<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

રાજકોટના સરધાર ગામમાં અસામાજિક તત્વો બન્‍યા બેફામઃ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ગ્રામજનોના આંદોલનના સમર્થનમાં ધંધા-રોજગાર બંધ રાખ્‍યાઃ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો

સરધારઃ રાજકોટના સરધાર ગામમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે. દારૂની ખુલ્લેઆમ થતી પ્રવૃત્તિઓ, જુગારના અડ્ડાઓ અને આવારા તત્વોની દાદાગીરીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ગામલોકોમાં ભયનો માહોલ છવાયો છે. આજે સરધાર ગામના તમામ વેપારીઓ અને દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને ગ્રામજનોના આંદોલનને સમર્થન આપ્યું છે. સવારથી જ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું.
ઘટનાની વિગતો અનુસાર, વેપારી પોતાની ટાયરની દુકાને હાજર હતા ત્યારે સિકંદર સિંધી અને અન્ય બે અજાણ્યા શખ્સો તેમની દુકાનમાં ઘસી આવ્યા હતા. સિકંદર સિંધી ટાયર બદલવાની વાત કરી રહ્યો હતો, પરંતુ તેણે વેપારીને રૂપિયા ચૂકવ્યા ન હતા. આ બાબતે વેપારીએ રૂપિયા આપવા માટે વાત કરતા, સિકંદર સિંધીએ ગુગલ પે દ્વારા રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, વેપારી પાસે કંપનીનું ચોક્કસ ટાયર ઉપલબ્ધ ન હોવાથી આ શખ્સો રોષે ભરાયા હતા.
આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી અને શખ્સોએ વેપારીને માર માર્યો હતો. આટલું જ નહીં, સિકંદર સિંધી સાથે રહેલા એક વ્યક્તિએ પોતાની કારમાંથી છરી કાઢીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને પગલે સરધારમાં ભય અને તણાવનો માહોલ છવાયો છે. સ્થાનિકો દ્વારા વહેલી તકે આ મામલે કડક કાર્યવાહી કરવાની અને દોષિતોને પકડવાની માંગ કરવામાં આવી રહી છે.

(3:58 PM IST)