<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

પોરબંદરમાં ગેરકાયદેસર માછીમારી કરતા ઝડપાયા : "જય સાકળીઆઈ કૃપા" બોટ સામે હાર્બર મરીન પોલીસની મોટી કાર્યવાહી : ૭ આરોપીઓની અટકાયત!

દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં મંજૂરી-પરવાના વિના ફિશિંગ કરતા બોટ માલિક, હેન્ડલર, ટંડેલ અને ખલાસીઓ વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો

પરેશ પારેખ દ્વારા,પોરબંદર, તા. ૨૯ : પોરબંદર જિલ્લાના હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાર્બર મરીન પોલીસે "જય સાકળીઆઈ કૃપા" નામની એક ફાઈબર બોટ (પિલાણા) ને બિનઅધિકૃત રીતે, કોઈપણ પ્રકારની મંજૂરી, પરવાનો કે ટોકન વગર ફિશિંગ કરતા ઝડપી પાડી છે. આ મામલે બોટના માલિક, હેન્ડલર, ટંડેલ અને ખલાસીઓ સહિત કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ની કલમ-૨૧(૧)(ચ) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી, ધોરણસરની અટકાયત કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓના સૂચના બાદ કાર્યવાહી:
કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત, ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરીઝ એક્ટની જોગવાઈઓનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ, પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવાયું હતું.
બોટ ગુમ થયા બાદ ખુલાસો:
હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકેની સૂચના મુજબ, તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાયબર બોટ "જય સાકળીઆઈ કૃપા" (રજી. નં. IND-GJ-25-MO-6870) માં ટંડેલ અને ખલાસીઓ ફિશિંગ માટે ગયા હતા અને પરત ન ફરતા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે તા.૨૮/૦૬/૨૦૨૫ના રોજ ગુમ જા.જોગ નંબર ૦૬/૨૦૨૫ દાખલ કરવામાં આવી હતી.
તા.૨૯/૦૬/૨૦૨૫ના રોજ સવારના સાત વાગ્યાની આસપાસ ટંડેલ અને ખલાસીઓ સહીસલામત રીતે પરત મળી આવ્યા હતા. જોકે, હાલના સમયમાં દરિયામાં માછીમારી કરવા પર ગુજરાત સરકાર, મત્સ્યોદ્યોગ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મનાઈ/પ્રતિબંધ હોવા છતાં, ટંડેલ અને ખલાસીઓએ પિલાણાના માલિક અને પિલાણા સંભાળનાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી, પરવાનો કે ટોકન વગર ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરી હતી, જે જાહેરનામાનો ઉલ્લંઘન અને નિયમોનું પાલન ન કરવાનો સ્પષ્ટ કેસ છે.
આરોપીઓની વિગતો:
હાર્બર મરીન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી છે:
૧. પિલાણાના માલિક: સ્નેહાબેન દિપકભાઈ લાલજીભાઈ બાદરશાહી (ઉંમર ૩૫, ખારવા જ્ઞાતિ, રહે: વિરડી પ્લોટ બ્રાંચ સ્કૂલની બાજુમાં, પોરબંદર).
૨. પિલાણાનું હેન્ડલિંગ કરનાર: વિશાલ અર્જુનભાઈ જુંગી (ઉંમર ૩૦, ખારવા જ્ઞાતિ, રહે: કડિયાપ્લોટ શેરી નં-૧, પોરબંદર).
૩. ટંડેલ: કિશન મેઘજીભાઈ ડાલકી (ઉંમર ૪૬, ખારવા જ્ઞાતિ, રહે: ભીડિયા, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ; હાલ રહે: અસ્માવતી ઘાટ વિશાલ અર્જુનભાઈ જંગીના પિલાણામાં, પોરબંદર).
૪. ખલાસી: પ્રભુદાસ રામજીભાઈ આંજણી (ઉંમર ૫૦, ખારવા જ્ઞાતિ, રહે: ભીડિયા, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ; હાલ રહે: અસ્માવતી ઘાટ વિશાલ અર્જુનભાઈ જંગીના પિલાણામાં, પોરબંદર).
૫. ખલાસી: મનસુખભાઈ લાલાભાઈ પાંજરી (ઉંમર ૪૩, ખારવા જ્ઞાતિ, રહે: માઢવાડ, તા. કોડીનાર, જી. ગીર સોમનાથ; હાલ રહે: અસ્માવતી ઘાટ વિશાલ અર્જુનભાઈ જુંગીના પિલાણામાં, પોરબંદર).
૬. ખલાસી: રમેશ રામાભાઈ લોઢારી (ઉંમર ૪૪, ખારવા જ્ઞાતિ, રહે: માઢવાડ, તા. કોડીનાર, જી. ગીર સોમનાથ; હાલ રહે: અસ્માવતી ઘાટ વિશાલ અર્જુનભાઈ જુંગીના પિલાણામાં, પોરબંદર).
૭. ખલાસી: મુકેશ સામજીભાઈ ડાલકી (ઉંમર ૩૬, ખારવા જ્ઞાતિ, રહે: ભીડિયા, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ; હાલ રહે: અસ્માવતી ઘાટ વિશાલ અર્જુનભાઈ જુંગીના પિલાણામાં, પોરબંદર).
આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર.પટેલ, એ.એસ.આઈ. બી.ડી.વાઘેલા, એ.એસ.આઈ. કે.બી.લોઢારી, પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.પી.ધારેચા અને પોલીસ કોન્સ્ટેબલ કરશન કાનાભાઇ ઓડેદરા રોકાયેલા હતા. આ દાખલારૂપ કામગીરીથી ગેરકાયદેસર માછીમારી કરનારા તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

 

(10:05 PM IST)