<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાની જમાવટઃ જોડીયા-૪, જામકંડોરણામાં ૩ ઇંચઃ અન્‍યત્ર ઝાપટાથી દોઢ ઇંચ વરસ્‍યો

આજે સવારથી વરસાદનું જોર વધ્‍યું: રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, જુનાગઢ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ

 

 

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં જોડીયા તથા ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંજય ડાંગર (ધ્રોલ) મુકુંદ બદીયાણી (જામનગર) ભાવેશ ભોજાણી (ગોંડલ) (૪.૧૬)

રાજકોટ,તા.૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર -કચ્‍છમાં મેઘરાજાની જમાવટ થઇ છે. આજે જામનગર જીલ્લાના જોડીયામાં ૪ ઇંચ રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્‍યત્ર ઝાપટાથી દોઢ લંચ વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં૨૪ કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પૂનઃ ધમાકેદાર પધરામણી કરી છે. અને માત્ર બે કલાકના સમયબાદ દરમિયાન ધોધમાર ત્રણ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્‍ત થયા છે.  જયારે ૧૨ થી ૨ માં વધુ એક ઇંચ વરસાદ પડતા કુલ ૪ ઇંચ વરસાદ પડયો છે.

જોડીયામાં સવારે ૧૦:૦૦ વાગ્‍યાથી વરસાદ શરૂ થઇ ગયો હતો.અને બપોરે ૧૨:૦૦ વાગ્‍યા સુધીમાં ધોધમાર ત્રણ ઇંચ થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્‍યા છે.

 આ વરસાદને લઇને જોડીયાની ઉંડ નદી બે કાંઠે થઇ હતી. તેમજ ઠેર ઠેર પાણી ફરી વળ્‍યા હતા. હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી વધારે વરસાદ પડવાની શકયતાઓ છે.

ધ્રોલ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ જોડીયામાં બે કલાકમા઼ ૭૦ મી.મી. વરસાદ ખાબકયો હતો. સર્વત્ર પાણી.. પાણી.. ફરી વળ્‍યા છે. આજે સવારે ૧૦ થી ૧૨:૦૦ વાગ્‍યા સમય દરમિયાન ધોધમાર વરસાદ પડયો હતો. ૪ કલાકમાં ૯૩ મીમી વરસાદ ખાબકતા પાણી પાણી ફરી વળ્‍યા હતા.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જિલ્લાના આજે સવારથી હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોરે વિસાવદરમાં દોઢ ઇંચ અને માણાવદરમાં એક ઇંચ વરસાદ પડયો છે. જયારે વંથલી, જુનાગઢ, મેંદરડા અને માળીયા હાટીનામાં ઝાપટા પડયા છે.

જીલ્લાનાં મેંદરડા, ભેંસાણમાં ૧ ઇંચ, જુનાગઢમાં અડધો ઇંચ, માણાવદર, વંથલીમાં ઝાપટા પડયા છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ : બપોરના ૧ર-૧પ વાગ્‍યાના અરસામાં અત્રે ધોધમાર વરસાદ શરૂ થવા પામે છે. વરસાદ શરૂ થયા એના પ્રથમ અડધો કલાકમાં લગભગ અડધો ઇંચ જેવો વરસાદ પડી જવા પામેલ છે. જેના પરિણામે માર્ગો પર પુનઃ પાણી દોડતા થયા છે. નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહથી કેશોદ વિસ્‍તારમાં ઓછા વધતા અંશે વરસાદ વરસી રહેલ છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :.. મોરબી અને ટંકારામાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી :.. બાબરામાં ૧ ઇંચ તથા લીલીયા, બગસરા, રાજૂલામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા

(કૌશલ સવજાણી - વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં પોણો ઇંચ તથા ખંભાળીયામાં ઝાપટા પડયા છે.

ગોંડલ

ગોંડલ : શહેરમાં આજે બપોરે પોણો ઇંચ વરસાદ પડયો હતો. (૩.૧૭)

(3:10 PM IST)