<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર છલકાયું: રાત્રે ઓવરફ્‌લો થયો બંધ

૨૪ કલાકમાં જુનાગઢ ૨૨ ઇંચની મહેર બાદ સવારથી વરસાદી માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: જૂનાગઢ શહેરમાં ગુરુવારે અઢી ઇંચ વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર છલકાઈ ગયું હતું પરંતુ રાત્રે મેઘરાજાની ગેરહાજરીથી ઓવરફ્‌લો બંધ થઈ ગયો હતો.

જુનાગઢ જિલ્લામાં ગુરુવારે આખો દિવસ મેઘરાજાએ મુકામ કરતાં વધુ અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ તાલુકામાં મળીને કુલ ૪૩૮ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ વધીને ૩૮૦૬ મીમી થયો હતો.જેમાં માણાવદર તાલુકામાં ૬૩ મીમી, વંથલી ૬૩ મીમી, જૂનાગઢ ગ્રામ્‍ય ૬૦ મીમી, ભેસાણ ૩૧મીમી વિસાવદર ૪૦ મીમી, મેંદરડા ૪૩ મીમી, કેશોદ ૫૫ મીમી, માંગરોળ ૧૧ મીમી, માળીયાહાટીના ૧૨ મીમી અને જૂનાગઢ શહેર ૬૦ મીમી વરસાદનો સમાવેશ થાય છે.

ગુરુવારે જૂનાગઢ શહેર ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં મેઘરાજાએ ફરી નવેસરથી ઇનિંગ શરૂ કરી હતી. શહેરમાં બપોરના ૩ વાગ્‍યાથી વરસાદની તીવ્રતા વધી હતી. તેના પરિણામે આજે સવાર સુધીમાં શહેરમાં આકાશમાંથી ૬૦ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું.

બપોર બાદના વરસાદના પગલે શહેરની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર સાંજે ઓવરફ્‌લો થઈ ગયું હતું. જેનો નજારો જોવા માટે નગરજનો સરોવર સાઈટ પર ઉમટી પડ્‍યા હતા. પરંતુ રાત્રે મેઘરાજાએ વિરામ લેતા ઓવરફ્‌લો બંધ થઈ ગયો હતો.

ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્‍તારમાં પણ વધુ ૭૮ મીમી વરસાદ વરસ્‍યો હતો. ગિરનાર પર મેઘ મહેરથી દામોદર કુંડ, સોનરખ નદીમાં પાણી આવ્‍યું હતું. જ્‍યારે દાતાર પર્વત પરના વરસાદથી કાળવા નદીમાં પાણીની આવક થઈ હતી.

(1:49 PM IST)