News of Saturday, 5th July 2025
જૂનાગઢ BJPમાં 'લેટર બોમ્બ'નો ભડકો : MLA સંજય કોરડિયાના પત્રથી રાજકારણ ગરમાયું : પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનના આકરા પ્રહારથી આંતરિક વિવાદ સપાટી પર!
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે સક્રિય સભ્યોને લખેલા પત્રથી વિવાદ : પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ 'સસ્તી પ્રસિદ્ધિ' અને પક્ષને થતા નુકસાન અંગે ચેતવણી આપતા ભાજપમાં ખળભળાટ!


જૂનાગઢ, : જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, જેમાં ધારાસભ્ય સંજય કોરડિયાના એક પત્રને કારણે રાજકીય ગરમાવો આવ્યો છે. સંજય કોરડિયાએ જૂનાગઢ શહેરના સક્રિય સભ્યોને વિકાસ કાર્યોની ગુણવત્તા અને સંભવિત ગેરરીતિઓ અંગે માહિતી માંગતો પત્ર લખતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ તેના પર આકરા પ્રહાર કર્યા છે. પરસાણાએ કોરડિયાના પત્રને 'બેજવાબદાર' ગણાવતા, ભાજપને નુકસાન થવાની ચેતવણી પણ આપી છે.
ધારાસભ્ય કોરડિયાનો પત્ર: વિવાદનું મૂળ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ તેમના MLA/કાર્યાલય જા.નં.૫૨૬૨/૨૫, તા.૨/૭/૨૦૨૫ ના પત્ર દ્વારા જૂનાગઢ શહેરના સક્રિય સભ્યોને તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણ કરી હતી. આ પત્રમાં તેમણે પોતાના વોર્ડમાં છેલ્લા ૧ થી ૧૫ વર્ષમાં થયેલા કામો પૈકી જો કોઈ કામ નબળા, ગુણવત્તાહીન, તૂટી ગયેલા કે કોઈ કામ બાબતે ગેરરીતિ થઈ હોય તો તેની માહિતી આપવા જણાવ્યું હતું. આ પત્રથી જ રાજકારણમાં ગરમાવો શરૂ થયો.
હરેશ પરસાણાના આકરા પ્રહારો: 'સસ્તી પ્રસિદ્ધિ'નો આક્ષેપ
આ પત્ર વાંચીને જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન, સ્થાયી સમિતિ, હરેશ પરસાણાએ ઊંડા દુઃખની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું છે. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, જૂનાગઢ શહેરમાં જે પણ વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેની તેમણે અનેક વખત મુલાકાત લીધેલ છે અને ક્યારેક ખાતમુહૂર્તમાં પણ ઉપસ્થિત રહ્યા છો. પરસાણાએ યાદ અપાવ્યું કે, સંજય કોરડિયા ૧૫ વર્ષથી વોર્ડ નં.૭ ના કોર્પોરેટર હતા, શહેર ભાજપના પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય તરીકે શહેરની શોભા વધારી રહ્યા છે.
પરસાણાએ ભારપૂર્વક જણાવ્યું કે, ધારાસભ્ય સંજય કોરડિયા શહેરમાં થયેલા અને થઈ રહેલા કામોથી સંપૂર્ણપણે માહિતગાર છે. કારણ કે તેઓ ધારાસભ્ય તરીકે મહિનામાં એકવાર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક કરે છે, જેમાં તેઓ અનેકવાર આ અંગેની માહિતી માંગી છે અને તેમને ઉપલબ્ધ પણ કરાવવામાં આવેલ હશે. તેમજ મહાનગરપાલિકાના વિવિધ પ્રશ્નોની લેખિત પત્રો દ્વારા પણ તેમણે કમિશ્નરને જાણ કરેલ છે. એટલે તેમને કયાં કામ ચાલે છે, કોના ચાલે છે કે કેવા ચાલે છે, એ બધી જ વાતની જાણ છે.
પરસાણાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "ભાજપના સક્રિય સભ્યોના ખંભે બંદૂક રાખી ફોડીએ એ વ્યાજબી વાત નથી. મીડિયામાં જઈને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરો અને સાથે મળી શહેરનો વિકાસ કરો."
ભાજપને નુકસાન થવાની ચેતવણી
હરેશ પરસાણાએ સ્પષ્ટ કર્યું કે, આવા પત્રોને કારણે અંતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે. કારણ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું જ શાસન છે અને સંજય કોરડિયા પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે. આવા પત્રો વારંવાર લખવાથી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થાય છે અને બદનામી મળે છે.
પરસાણાએ અંતમાં "સૌનો સાથ... સૌનો વિકાસ... સૌનો વિશ્વાસ...... સૌનો પ્રયાસ......" ના સૂત્રને સાર્થક કરવા અપીલ કરી છે. આ પત્રની નકલો પ્રદેશ પ્રમુખ, ભાજપ, ગુજરાત, પ્રદેશ મહામંત્રી, ભાજપ, ગુજરાત અને પ્રમુખ, શહેર ભાજપ, જૂનાગઢ મહાનગરને પણ રવાના કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ આંતરિક વિવાદ પક્ષના ઉચ્ચ સ્તરે પણ પહોંચ્યો છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
