News of Friday, 11th July 2025
ગોંડલમાં PGVCL ની ઘોર બેદરકારી : રિપેરિંગ કામ દરમિયાન વીજ કરંટ લાગતા બે કરાર આધારિત કર્મચારીઓના કરુણ મોત!
વોરા કોટડા રોડ પર સબ જેલ સામેની ઘટનાથી હાહાકાર : અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં યુવકો મોતને ભેટ્યા : PGVCL ની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો : પોલીસ તપાસ શરૂ

ગોંડલ, તા. ૧૧ જુલાઈ, ૨૦૨૫: ગોંડલમાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ની ઘોર બેદરકારીના કારણે બે કરાર આધારિત કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. ગોંડલના વોરા કોટડા રોડ પર સબ જેલ સામે PGVCL ના રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બંને યુવકને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, PGVCL ની લાઇન રીપેર કરતી વખતે કોઈ કારણસર વીજ પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. આ ભયાવહ દુર્ઘટનામાં બંને યુવાન કર્મચારીઓને ગંભીર શોર્ટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંને યુવકોએ જીવ ગુમાવી દીધો હતો.
મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગોંડલ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. PGVCL ના કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા અને કામગીરી દરમિયાન લેવાતી સાવચેતીઓ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કરાર આધારિત કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે.
પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે અને ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે PGVCL કયા પગલાં ભરશે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી વિભાગોમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
