News of Sunday, 13th July 2025
કુદરતનું બદલાતું રૂપ! : ભર ચોમાસે ટંકારાના હીરાપરમાં બોરડીમાં લૂમેઝૂમે પાક્યા ચણિયા બોર, ખેડૂતો આશ્ચર્યચકિત! :જુઓ વિડીયો
ઋતુચક્ર ખોરવાયું, ક્લાઇમેટ ચેન્જનો સ્પષ્ટ સંકેત? ખેડૂત રમેશભાઈ દલસાણીયાના શેઢે શિયાળુ ફળ ચોમાસામાં લહેરાતા ટંકારા પંથકમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો!

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા: આ સૃષ્ટિના સર્જનહારે પ્રત્યેક ચીજવસ્તુ અને તેના નિર્માણ માટે ચોક્કસ સમય તેમજ ઋતુચક્ર ગોઠવ્યું છે. પરંતુ, કળિયુગમાં કાળા માથાના માનવીએ કુદરતને પડકાર ફેંકી, વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે કુદરતી ઋતુચક્રને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. એક તરફ પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જના ગંભીર પડકારો ઊભા થયા છે, ત્યારે બીજી તરફ પ્રકૃતિના બદલાયેલા મિજાજના અવનવા બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક આશ્ચર્યજનક અને રોમાંચક નજારો ટંકારા તાલુકાના હીરાપર ગામે જોવા મળ્યો છે, જ્યાં ભર ચોમાસે બોરડીમાં ચણિયા બોર પાકતા ખેડૂતો પણ અચરજ પામ્યા છે.
ખેડૂતના શેઢે પ્રકૃતિનો ચમત્કાર:
ખેતીપ્રધાન ભારત દેશ ઋતુવૈવિધ્ય ધરાવે છે, જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળો ઉગે છે. સામાન્ય રીતે, શિયાળામાં સફરજન, બોર, જામફળ, સીતાફળ જેવા ફળો જોવા મળે છે; ઉનાળામાં કેરી, તરબૂચ, કેળા, સાકરટેટી જેવા ફળોની મોસમ હોય છે; જ્યારે ચોમાસામાં જાંબુ, ખારેક, રાયણ અને નાસપતિ જેવા ફળો આવે છે. પરંતુ, તમામ પ્રકારના બોર હંમેશા શિયાળામાં જ પાકતા હોય છે, તેવો સર્વસામાન્ય નિયમ છે.
પરંતુ, ક્લાઇમેટ ચેન્જના આ મોટા પડકાર વચ્ચે, ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા ખેડૂત રમેશભાઈ દલસાણીયાના ખેતરના શેઢે ઊગેલી બોરડીમાં હાલ ભર ચોમાસે, એટલે કે અષાઢ મહિનામાં, ચણિયા બોર લૂમેઝૂમે આવ્યા છે અને પાકી પણ ગયા છે! આ ઘટના ખરેખર કુદરતનો બદલાતો મિજાજ અને ઋતુચક્રનું અણધાર્યું પરિવર્તન દર્શાવે છે.
હીરાપરમાં ભર ચોમાસે ચણિયા બોર પાક્યા હોવાની આ ઘટના હાલમાં સમગ્ર ટંકારા પંથકમાં ચર્ચાનો અને કુતૂહલનો વિષય બની છે. શું આ પ્રકૃતિનો કોઈ અનોખો સંદેશ છે કે પછી માનવીય પ્રવૃત્તિઓનું આ પરિણામ? આ ઘટના ખરેખર વિચાર માંગી લે તેવી છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
