<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કુતિયાણા પંથકમાં સસ્‍તુ ડીઝલ વેચવાનું કૌભાંડ ?

ચર્ચા મુજબ હોટલના એક હોલમાં મોટો ટાંકો બનાવીને તેની ઉપર ગેરકાયદે ડીઝલ પંપ બનાવ્‍યો : બજાર કરતા ર૦ રૂપિયા સસ્‍તુ ડીઝલના બોર્ડ ? : કુતિયાણા મામલતદાર કચેરીએ ડીઝલ કૌભાંડ અંગે ફોન કરતા મામલતદાર ડી.આર. સુમરાએ જણાવેલ કે સસ્‍તા દરે ડીઝલના વેચાણ અંગે તપાસ કરીને જે કોઇની સંડોવણી હશે તેની સામે કડક પગલા લેશું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬ :  કુતિયાણા પંથકમાં એક હોટલના અંદરના ભાગે બજાર કરતા ર૦ રૂપિયા સસ્‍તા ડીઝલના વેચાણની ચર્ચાએ જોર પકડયું છે.

લોકોમાં ચકડોળે ચડેલી ચર્ચા મુજબ એક હોટલના હોલમાં જમીનમાં મોટો ટાંકો બનાવીને તેની ઉપર ગેરકાયદે ડીઝલ પંપ ઉભા કરીને સસ્‍તા દરે ડીઝલનું ધુમ વેચાણ થઇ રહ્યાનું કહેવાય છે. એવું પણ ચર્ચિત બન્‍યુ છે કે આ ગેરકાયદે ડીઝલ પંપ પાસે લગાવેલા બોર્ડમાં બજાર કરતા ર૦ રૂપિયા નીચા ભાવે ડીઝલ લખ્‍યું છે.

કુતિયાણા પંથકમાં સસ્‍તા દરે ડીઝલ અંગે કુતિયાણાની મામલતદાર કચેરીમાં  ફોન કરતા મામલતદાર ડી.આર. સુમરાએ ફોન ઉપર જણાવ્‍યું હતું કે સસ્‍તા દરે ડીઝલ વેચાણ અંગે તપાસ કરીને અને જે કોઇની આમાં સંડોવણી હશે તેની સામે કડક પગલા લઇશું.

કુતિયાણા ઉપરાંત પોરબંદર શહેરમાં કેટલીક છાની જગ્‍યાએ ગેરકાયદે સસ્‍તા ડીઝલનું વેચાણ તેમજ ગેરકાયદે બાયોડીઝલનું બે રોકટોક વેચાણ થઇ રહ્યાની ચર્ચા છે.

આ દિશામાં તંત્ર તપાસ કરીને જવાબદારો પગલા લઇને ગેરકાયદે ડીઝલ વેચાણ વહેલીતકે બંધ કરાવે તેવી માંગણી ઉઠી છે.   

(1:43 PM IST)