<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીમાં સવાબે, આમરણમાં ર ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણમાં પલ્‍ટો

થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણીઃ કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસ્‍યો

મોરબીમાં સવા ર ઇંચ વરસાદથી પાણી-પાણી થઇ ગયું હતું. (તસ્‍વીર : અહેવાલ -પ્રવિણ વ્‍યાસ (મોરબી), જયેશ ભટ્ટાસણા (ટંકારા)

રાજકોટ, તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે હવામાનમાં પલ્‍ટો આવ્‍યો છે અને ફરી વરસાદી વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે આજે સવારથી બપોરના ર વાગ્‍યા સુધીમાં મોરબીમાં સવા ર ઇંચ, આમરણમાં ર ઇંચ વરસાદ પડયો છે.

મોરબી

(જયેશ ભટ્ટાસણા- પ્રવિણ વ્‍યાસ દ્વારા) ટંકારા-મોરબીઃ  મોરબીમાં લાંબા બ્રેક બાદ આવેલા મેઘરાજાએ દે ધના ધન વરસાદ વરસાવ્‍યો છે. શહેરમાં માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્‍યો છે. જેને કારણે અનેક રોડ-રસ્‍તા જળમગ્ન થઈ ગયા છે.

મોરબીમાં આજે ઘણા દિવસો બાદ સવારે ૧૦:૧૫ વાગ્‍યાના અરસામાં મેઘસવારી આવી પહોંચી હતી. શરૂઆતમાં ધીમી ધારે બાદમાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો. સરકારી ચોપડે નોંધાયેલ વરસાદ મુજબ મોરબી શહેરમાં સવારે ૧૦થી ૧૨ વાગ્‍યા દરમિયાન સવા બે ઈંચ વરસાદ પડ્‍યો છે.

વરસાદના પગલે લાતી પ્‍લોટ, પંચાસર રોડ સહીત ઘણા વિસ્‍તારમાં પાણી ભરાયાનું જાણવા મળી રહ્યુ છે.

મોરબી શહેરમાં સવા ૨ ઇંચ, હળવદમાં પોણો ઇંચ તથા ટંકારામં ૬ મીમ.મી. અને માળીયા મિંયાણામાં ૫ મી.મી. વરસાદ પડયો છે.

આમરણ-

(મહેશ પંડયા દ્વારા) આમરણ આમરણમાં આજે સવારથી બપોર સુધીમાં ૨ ઇંચ વરસાદ વરસ્‍યો છે. થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હરખની હેલી વ્‍યાપી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જોડીયામાં પ મીમી અને જામનગર શહેરમાં ૧ મીમી વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ આજે બપોરે ૧ર થી ર દરમિયાન પડયો છે.

દેવભૂમિ દ્વારકા

(કૌશલ સવજાણી-વિનુભાઇ, સામાણી દ્વારા) ખંભાળીયા- દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં કલ્‍યાણપુરમાં પોણો ઇંચ તથા ભાણવડમાં ૧ મીમી અને દ્વારકામાં ૩ મીમી વરસાદ ઝાપટારૂપે પડયો છે.

જેતપુર

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ જેતપુરમાં આજે સવારે વરસાદી ઝાપટું વર્ષી ગયું હતું. જેતપુરમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ થતો હોય આજ સવારે જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. જેના કારણે લોકોને ગરમી માંથી રાહત મળી હતી રસ્‍તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા.

અંજાર, ભુજ અડધો ઈંચ સાથે વ્‍હેલી સવારથી જ સમગ્ર કચ્‍છમાં વરસાદી માહોલ

કાળા વાદળોથી ઘેરાયેલા આકાશ વચ્‍ચે સૂરજ ઢંકાઈ જતા ઝરમર ઝરમર વરસાદ સાથે ધાબડિયો માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯:  રાજસ્‍થાનમાં ભારે વરસાદ વચ્‍ચે કચ્‍છમાં આગ ઝરતી ગરમી વચ્‍ચે આજે સવારથી જ હવામાનમાં પલટો આવ્‍યો છે. અંજાર, ભુજમાં અડધો ઇંચ વરસાદ સાથે આજે વ્‍હેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કાળા વાદળોથી ઘેરાયેલા આકાશ વચ્‍ચે સૂરજ ઢંકાઈ જતા ઝરમર ઝરમર વરસાદ સાથે ધાબડિયો માહોલ છે.

(3:41 PM IST)