News of Monday, 21st July 2025
ઉપલેટા પાસે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરનાર ૪ ને રૂરલ એલ.સી.બી.એ ઝડપી લીધા
ભાયાવદરના સિકંદરને નોકરીમાંથી છુટો કરાતા તેનો ખાર રાખી શેઠના ગોડાઉનમાં ચોરી કરીઃ ટ્રક અને કાર સહિત ૧૮.૪પ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠેલ) ચારેય શખ્સો ટ્રક અને કાર નજરે પડે છે.
રાજકોટ, તા. ર૧ : ઉપલેટા પાસે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરીનો રૂરલ એલસીબીએ ભેદ ઉકેલી ચોરી કરનાર ૪ શખ્સોને ટ્રક અને કાર સહિત ૧૮.૪પ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ગોડાઉનમાં મહેતાજી તરીકે નોકરી કરતા ભાયાવદરના શખ્સને છુટો કરાતા તેનો ખાર રાખી તેણે મિત્રો સાથે મળી શેઠના ગોડાઉનમાં ચોરી કર્યાનું ખુલ્યું હતું.
મળતી વિગતો મુજબ ગઇકાલ યોગેશ ધીરજલાલ દેસાઇ રહે. ઉપલેટા જનકપુરી સોસાયટી વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, ગઇ તા ૧૬/૦૭ ના રાતના આશરે અગ્યારેક વાગ્યાના અરસામા પોતાના ઉપલેટા પોરબંદર નેશનલ હાઇવે રોડ પર મુરખડા ગામના પાટીયા પાસે આવેલ ગોડાઉનનુ તાળુ તોડી ગોડાઉનમા રાખેલ મગફળીની ગુણી નંગ ૨૮૦ કોઇ અજાણ્યા ઇસમો ગયાની ચોરી કરી ગયાની ઉપલેટા પો.સ્ટે.માં ફરીયાદ કરતા. ઉપરોક્ત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો કાર્યરત હતી એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, પો.હેઙકોન્સ કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આધારે આ કામે આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લેધેલ વાહનની eGujCop તથા pocket-Cop થી ઓળખ કરી આરોપીઓએ મગફળી વેચાણ કરી મેળવેલ રોકડ રકમ સહીત ફૂલ રૂ. ૧૮,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા રહે, ભાયાવદર હોળીધાર, (૨) ઇમરાન કાસમભાઇ હમીરાણી રહે. કાલાવડ ઝમઝમ પાર્ક, (૩) આશીફ કાસમભાઇ હમીરાણી રહે. જામનગર બેડેશ્વર વિસ્તાર તથા (૪) મોહસીન ઇબ્રાહીમભાઈ નંગામરા રહે. ગામ જોડીયાભુંગા તા.જી. જામનગરને રોકડ રૂા ર,૩૬,૦૦૦/- અશોક લેલેન્ડ ટ્રક રજી નંબર જીજે ૦૨ ઝેડ ૦૩૩૬ કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-, મારૂતી સુઝુકી બલેનો કાર રજી નંબર જીજે ૦૧ કેવાય ૬૦૯૨ કી.રૂ. ૫,૦૦,૦૦૦/- હોન્ડા સાઇન મો.સા. રજી નંબર ઁજીજે ૧૦ ઇડી ૫૪૬૬ કી.રૂ. ૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ કી રૂ. ૫૯,૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧૮,૪૫,૦૦૦/- સાથે ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સીકંદર ઉર્ફ સીકલો ઇસ્માઇલભાઇ સમા રહે. ભાયાવદર વાળો અગાઉ દેસાઇ ઇન્ડસટ્રીઝમાં મહેતાજી તરીકે નોકરી કરતો હોય, પરંતુ દોઢેક મહીના પહેલા કોઇ કારણસર પોતાના શેઠ યોગેશભાઇ સાથે મનદૂખ થતા શેઠે પોતાને નોકરીમાંથી કાઢી મુકેલ હોય જેનો ખાર રાખી આર્થીક લાભ મેળવવામાટે સીકંદરે પોતાના ઉપરોક્ત મિત્રોને સાથે રાખી ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરી મગફળી જામનગર ખાતે ઇન્ડીયન મીલમા વેચાણ કરી દીધેલની કબુલાત આપેલ છે.
આ કાર્યવાહી રૂરલ એલસીબીના એ. એસ. આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અનિલભાઇ બડદોકીયા, પો. કો. મીરલભાઇ ચંદ્રવાડીયા, પો. હેડ કો. દીવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, હરેશભાઇ પરમાર, રાજુભાળ સાંબડા તથા ડ્રા. પો. કો. અબ્દુલભાઇ શેખ સહિતનાએ કરી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
