<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ભાવનગરમાં રેલવેના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા : ૬૫,૦૦૦ની લાંચ સ્વીકારતા ACBએ રંગેહાથ દબોચ્યા

કોન્ટ્રાક્ટરના દસ લાખના બિલ પાસ કરવા અને નવા વર્ક ઓર્ડર માટે ૪% અને ૦.૫% કમિશનની માંગણી કરનાર ટિપ્પે સ્વામી લક્કામા દાસર ACBના છટકામાં ફસાયા

ભાવનગર, ૨૧ જુલાઈ, ૨૦૨૫ : ભાવનગર રેલવે ડિવિઝનની ડી.આર.એમ. કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર (વર્ગ-૨) ટિપ્પે સ્વામી લક્કામા દાસરને લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા આજે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. દાસરે ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પાસેથી તેના કામોના બિલ મંજૂર કરવા અને નવા વર્ક ઓર્ડર આપવા પેટે કુલ ૬૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે તેઓ સ્વીકારતા જ ACBના છટકામાં ફસાયા હતા.
લાંચની માંગણી અને ACBની કાર્યવાહી
આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક અને ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે. તેમણે ભાવનગર રેલવે ડિવિઝનમાંથી મળેલા આશરે રૂ. દસ લાખની રકમના રનિંગ બિલની મંજૂરી/એપ્રુવલ આપવા પેટે બિલની રકમના ૪% લેખે એડવાન્સ તથા ફરિયાદીને અન્ય એક "વર્ક ઓર્ડર" આપેલ હોય તેના ૦.૫% લેખે, એમ કુલ ૬૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી ટિપ્પે સ્વામી લક્કામા દાસર દ્વારા કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, આજે ૨૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર રેલવે ડિવિઝનની ડી.આર.એમ. કચેરી સ્થિત આરોપીની ઓફિસમાં ગોઠવવામાં આવેલા આ છટકા દરમિયાન, આરોપી ટિપ્પે સ્વામી લક્કામા દાસરએ ફરિયાદી પાસેથી લાંચના નાણાં માંગ્યા અને સ્વીકાર્યા, અને તે જ સમયે ACBની ટીમે તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. લાંચની માંગણી કરેલી અને સ્વીકારેલી રકમ ૬૫,૦૦૦ રૂપિયા સ્થળ પરથી જ રીકવર કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી ટ્રેપિંગ ઓફિસર એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટે.), અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. બારોટ અને સુપરવિઝન ઓફિસર ઇ.ચા મદદનીશ નિયામક એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટે.), અમદાવાદના એસ.એન. બારોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

 

(6:12 PM IST)