<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ઉપલેટાના વેપારી સાથે ૭૯.૭૧ લાખની છેતરપીંડી

હાર્ડ વર્ક ના કરો સ્‍માર્ટ વર્ક કરો તેમ કહી વેપારી સંજયભાઇ દઢાણીયાને રોકાણના બહાને દહેરાદુનની પ્રીતી ગુપ્‍તાએ શિશામાં ઉતારી દીધા : પહેલા ૩૮ લાખ ટ્રાન્‍સફર કરાવી લીધા બાદમાં નફા માટે ટેક્ષના ૪૧.૭૧ લાખ જમા કરાવી ફેસબુક અને વોટસએપમાં બ્‍લોક કરી દીધા

રાજકોટ તા. રરઃ ઉપલેટાના યાર્ડના વેપારી સાથે રોકાણના બહાને દહેરાદુનની મહિલાએ ૭૯.૭૧ લાખની છેતરપીંડી કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ઉપલેટા આદર્શ શેરી વલ્લભ ટાવર બ્‍લોક નં. ૩૦૧માં રહેતા અને ઉપલેટા યાર્ડમાં કમીશન એજન્‍ટની પેઢી ધરાવતા સંજયભાઇ રમણીકભાઇ દઢાણીયાએ પ્રીતી ગુપ્‍તા રે. દહેરાદુન સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ મહિલા આરોપીએ ફરિયાદીને ફેસબુકમાં ફ્રેંડ રીકવેસ્‍ટ મોકલી વોટ્‍સએપમાં ન઼બર આપી પોતે AARAV BOUTIQUE & COSMETIC નામનો મોલ ચલાવે છે તેવી ખોટી વાત કરી BGC BRRICK નામની એપ્‍લીકેશનમાં પૈસા રોકાણ કરવાનું કહી આરોપીએ પોતાના BGC BRRICK એપ્‍લીકેશનના યુજરનેમ પાસવર્ડ આપી અલગ અલગ તારીખે અલગ અલગ એકાઉન્‍ટમાં રૂ. ૩૮,૦૦,૦૦૦/- ટ્રાન્‍સફર કરાવી તેમાંથી થયેલ નફાની રકમ વિડ્રોલ કરવા ટેક્ષ તથા કંવર્જેશન ચાર્જના બાને બીજા રૂ. ૪૧,૭૧,૦૬૮/- અલગ અલગ એકાઉન્‍ટમાં આર.ટી.જી.એસ. તથા એન.ઇ.એફ.ટી.થી ટ્રાન્‍સફર કરાવી વધુ પૈસા કમાવવાની લાલચ આપી કુલ રૂા. ૭૯,૭૧,૦૬૮/-ની ફરીયાદી સાથે વોટસએપ તથા ફેસબુકથી સાયબર ફ્રોડ કર્યો હતો.

દહેરાદુનની મહિલાએ ૭૯.૭૧ લાખ ટ્રાન્‍સફર કરાવી લીધા બાદ મુદલ રકમ તથા નફાની રકમ પરત ન આવતા વેપારીએ મહિલાને જાણ કરતા મહિલાએ તેના ફોનમાં વેપારીને ફેસબુકમાં તથા વોટસએપમાં બ્‍લોક કરી દીધેલ. વેપારીએ મુદલ રકમ તથા નફા માટે પોતાના ઘરેણા ઉપર લોન લઇ મહિલાને રૂપિયા આપ્‍યા હતા.

આ ફરીયાદ અન્‍વયે ઉપલેટા પોલીસે મહિલા આરોપી સામે બી.એન.એસ.ની કલમ ૩૧૮(૪) તથા આઇટી એકટ કલમ મુજબ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)