<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

પોરબંદર જિલ્લામાં બીસ્‍માર રસ્‍તાઓની મરામત અને બ્રીજની ચકાસણી કામગીરી

રસ્‍તા તથા પુલની સલામતી સંબંધે પ્રભારી સચિવ રણજીતકુમારના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીએ સમીક્ષા બેઠક મળી

પોરબંદર.તા.૨રઃ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રી રણજીત કુમારની અધ્‍યક્ષતામાં માર્ગ, મકાન અને બ્રિજ નિરીક્ષણ અને લેવાયેલા પગલાં  સાવચેતીના મુદ્દાઓ પર મહત્‍વપૂર્ણ બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવશ્રી દ્વારા સાર્વજનિક સલામતીને ધ્‍યાનમાં રાખીને જૂના અને જર્જરિત રસ્‍તાઓ, ઇમારતો તથા પુલોની સમયસર ચકાસણી તેમજ જરૂરી મરામત સહિત થયેલી કામગીરીની ચકાસણી કરી હતી. આગળની જરૂરી કાર્યવાહી કરવા વિભાગના અધિકારીઓ કડક સૂચના આપવામાં આવી હતી.  ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં ક્‍લાસરૂમની હાલત જો નબળી જણાય તો તાત્‍કાલિક મરામત સહિતની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

પ્રભારી સચિવ રણજીત કુમારે વધુમાં જણાવ્‍યું હતું કે પુલો અથવા રસ્‍તાઓ બંધ હોય તેવા સ્‍થળોએ લોકોને શકય તેટલી સ્‍પષ્ટ માહિતી મળે તે માટે યોગ્‍ય સાઇનબોર્ડ લગાવવામાં આવે. ખાસ કરીને મોટા વાહનો માટે અવરજવર પ્રતિબંધિત હોય તેવા સ્‍થળોએ એંગલ લગાડવામાં આવે તદુપરાંત, સામાન્‍ય જનતાને કોઈપણ પ્રકારની અસમંજસતા કે તકલીફ ન થાય તે માટે સ્‍થળ પર વૈકલ્‍પિક માર્ગોની વિગતવાળી જાણકારી પણ મુકવામાં આવે તે અંગે પણ સૂચન કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ કન્‍સ્‍ટ્રક્‍શન સાઇટ પર કોન્‍ટ્રાકટરો દ્વારા ઇજનેર ન રાખવામાં આવે તો દંડની રકમ વધારવા અંગે સૂચન કર્યું હતું. તેમજ દરેક વિભાગે પોતાની હદમાં આવતી જર્જરિત હાલતમાં હોય તેવી ઇમારતો કે રસ્‍તાઓ માટે સંબંધિત વિભાગોએ ઝડપી પગલાં લેવા સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી,  જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા,મનપા કમિશનર  હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્‍ટર જે.બી. વદર,પ્રાંત અધિકારી  સંદીપ જાદવ, જિલ્લા ગ્રામ એજન્‍સી નિયામક  રેખાબા સરવૈયા તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી  પી.એલ. વાઘાણી, આરએનબી સ્‍ટેટ અને પંચાયતના ઇજનેરશ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:56 PM IST)