News of Tuesday, 22nd July 2025
જામનગરમાં હીટ એન્ડ રન : મહાકાળી સર્કલ પાસે અકસ્માતમાં ઘવાયેલા ૩ વર્ષના બાળક ભવ્યનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ
બોલેરો ચાલકે એક્સસ બાઈકને ટક્કર મારી ફરાર થયો : માતા અને ભાઈને પણ ઈજા : પોલીસે બોલેરો ગાડી નંબરના આધારે તપાસ તેજ કરી : પરિવારમાં શોકનો માહોલ

જામનગર : જામનગરમાં બે દિવસ પહેલા મહાકાળી સર્કલ રોડ પર બનેલા એક હીટ એન્ડ રનના ભયાવહ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ૩ વર્ષના માસૂમ બાળક ભવ્યનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે બોલેરો ગાડીના ફરાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
અકસ્માત અને કરુણ અંત
બનાવની વિગત મુજબ, જામનગરના હવાઈચોક, રિદ્ધિ એપાર્ટમેન્ટ ૧૦૧ ખાતે રહેતા ડિમ્પલબેન પારસભાઈ નાકર (ઉ.વ.૨૯) પોતાના બંને દિકરા ધૈર્ય અને ભવ્ય (ઉ.વ.૩) સાથે એક્સસ બાઈક (નં. GJ10CY-8187) લઈને તેમના પિયર મહાદેવનગર, ઢીંચડા રોડ ખાતે માતા-પિતાને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા.
દરમિયાન, ૮૦ ફૂટ રિંગ રોડ પર મહાકાળી સર્કલ પાસે પહોંચતા, સ્પીડબ્રેકર ક્રોસ કરવા માટે ડિમ્પલબેને એક્સસ બાઈક ધીમી કરી હતી. તે જ સમયે, પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક બોલેરો ગાડી (નં. GJ39LT-9139) ના ચાલકે અચાનક એક્સસ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણેય માતા-પુત્રો રોડ પર પટકાયા હતા અને બોલેરો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
ત્યાં હાજર લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ડિમ્પલબેન અને તેમના બંને પુત્રોને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ફરિયાદી ડિમ્પલબેન અને તેમના પુત્ર ધૈર્યને સાદી ઇજાઓ થઈ હતી, જ્યારે ૩ વર્ષના માસૂમ ભવ્યને ફેફસાં, માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલ ભવ્યનું લાંબી સારવાર બાદ આજે મૃત્યુ નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ડિમ્પલબેન દ્વારા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલેરો ગાડી નંબર GJ39LT-9139 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિટી-સી ડિવિઝનના તપાસનીશ એએસઆઈ ટી.કે. ચાવડાએ બોલેરો ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કરુણ ઘટનાને કારણે સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
