<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જામનગરના મોટી ખાવડીમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : 'નો ડ્રગ્સ ઈન જામનગર' અભિયાન હેઠળ SOGની સફળ કાર્યવાહી

શમશાન રોડ પર શિવ મંદિર પાસેથી ₹૧૯,૫૫૦નો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹૨૪,૫૫૦નો મુદ્દામાલ જપ્ત. : આરોપી બિહારનો વતની હોવાનું ખુલ્યું

મુકુંદ બદીયાણી દ્વારા,જામનગર, ૨૩ જુલાઈ, ૨૦૨૫ : જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર પર રોક લગાવવા અને નશાખોરી નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા શરૂ કરાયેલા “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન અંતર્ગત, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ મોટી ખાવડી ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
ખાનગી બાતમીના આધારે રેડ, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન.ચૌધરી અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.પી.ગોહિલના માર્ગદર્શન મુજબ, SOG સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, SOG સ્ટાફના વીરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને અશોકભાઈ સિંહલાને ખાનગી બાતમી મળી હતી કે, "મોટી ખાવડી ગામના શમશાન રોડ ઉપર આવેલ શિવ મંદિર પાસે અમરેશકુમાર ભગવાન દાસ રાત્રિના સમયે ગાંજાનું છૂટક વેચાણ કરે છે."
બાતમીના આધારે સદર જગ્યાએ દરોડો પાડીને, પોલીસે અમરેશકુમાર ભગવાન દાસ (રહે. મોટી ખાવડી ગામ, મેઈન રોડ, નટુભા કાયાજી જાડેજાના મકાનમાં ભાડેથી, તા. જી. જામનગર; મૂળ રહેવાસી શાહપુર ગામ, મિર્ચા, મુજફ્ફરપુર, મનીહારી પોલીસ સ્ટેશન, બિહાર) નામના ઈસમને પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી ૧ કિલો ૯૫૫ ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો, જેની કિંમત ₹૧૯,૫૫૦/- છે, તે અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹૨૪,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.પી.ગોહિલ અને એસ.ઓ.જી. સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.

(10:25 AM IST)