News of Wednesday, 23rd July 2025
ગાંધીધામમાં ૨૦ લાખની લૂંટનો પ્રયાસ કરનાર ગુરખો, ખિસકોલી અને ઘોડો ઝડપાયા
સોશ્યલ મીડિયા જોઈ રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો'તોઃ ત્રણેય લૂંટારૂઓને પોલીસે નાકાબંધી કરી ઝડપ્યાઃ છરી વડે હુમલો થતા વ્યાપારીએ રૂ. ભરેલો થેલો બાજુની દુકાનમાં ફેંકી બૂમાબૂમ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર૩: ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલકના અપહરણના કેસમાં પોલીસે સતર્કતા દાખવી માસ્ટર માઇન્ડને ઝડપ્યા બાદ તરતજ બનેલા બીજા બનાવમાં મની ટ્રાન્સફર સાથે આંગડિયાનું કામ કરતા વ્યાપારી ઉપર ૨૦ લાખની લૂંટના નિષ્ફળ પ્રયાસ દરમ્યાન છરી વડે હુમલો કરવાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણેય ગુનેગારોને ૨૪ કલાકમાં જ ઝડપી લીધા છે.
ગાંધીધામના મીઠોરોહર હાઈવે ઉપર આવેલા રાધે કોમ્પલેકસમાં રાજુભાઈ રસીકલાલ ઠક્કર ઘનશ્યામ ટેલિકોમના નામે આંગડિયા અને મની ટ્રાન્સફરની પેઢી ચલાવે છે. સોમવારે બજારમાંથી વિવિધ ઉઘરાણીની રૂા. ૨૦ લાખની રોકડ રકમ લઈને વેપારી પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તેમના ઉપર છરી વડે હુમલો કરાયો હતો. આરોપીઓએ છરી વડે હુમલો કરતા ભોગ બનનારે હોંશિયારી દાખવી રૂપિયા ભરેલ રોકડ રકમનો થેલો બાજુની દુકાનમાં ફેકી દીધો હતો. સાથે સાથે બૂમાબૂમ કરી મૂકતા આ દરમિયાન આસપાસના વેપારીઓ આવી જતા હુમલાખોર આરોપીઓ કારમાં નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત વેપારી રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એસપી સાગર બાગમારે તુરત જ નાકાબંધી કરવાનો હુકમ આપ્યો હતો. તે સાથે જ પોલીસે બનાવના સ્થળ અને જે દિશામાં લૂંટારુઓની કાર ભાગી હતી એ દિશાના વિવિધ સીસીટીવી ફુટેજ વડે તપાસ આદરતા શંકાસ્પદ બલેનો કાર કચ્છ બહાર માળિયા તરફ જતી હોવાનું જણાયું હતું. જેને પગલે પોલીસે સામખિયાળી પાસેથી આ કારને અટકાવીને લૂંટમાં સંડોવાયેલા તમામ ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ઉર્ફે ‘ગુરખો' આમદ સોઢા, (ગામઃ મીઠોરોહર) અસલમ ઉર્ફે ઈકબાલ ઉર્ફે ‘ખીસકોલી' હારૂન કેવર (ગામઃ મીઠીરોહર) તેમ જ મામદ ઉર્ફે ‘ઘોડો' બાવલાભાઈ મથડા (ગામઃ જુના કંડલા) એ તમામ આરોપીઓ ગુનાહિત ભુતકાળ ધરાવે છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપીઓ પૈકી ‘ગુરખા' સાથે ‘ખીસકોલી' એ બંનેએ મળીને છરી વડે હુમલો કર્યો હતો. જયારે ત્રીજા આરોપી ઘોડાએ લૂંટમાં વપરાયેલી બલેનો કાર ચલાવી હતી. આરોપીઓએ સોશ્યલ મીડિયામાં વીડિયો નિહાળી અને રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ વ્યાપારીની સક્રિયતા, પોલીસની સતર્કતા અને આસપાસના વ્યાપારીઓની જાગળતિ થકી આ પ્લાન નિષ્ફળ ગયો હતો
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
