News of Thursday, 24th July 2025
મોરબીના બહુચર્ચીત જમીન કૌભાંડમાં CID ક્રાઇમ દ્વારા મહિલા સહિત બેની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૪: મોરબીના ચકચારી ૬૦૨ જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા મુખ્ય મહિલા આરોપી સહિત કુલ બે આરોપીને પકડવામાં આવેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે તેમાંથી એક આરોપીનો કૌભાંડમાં મુખ્ય રોલ છે જયારે બીજા આરોપીની ભૂમિકા મુખ્ય મહિલા આરોપીના ઘર સુધી પહોચવાથી લઈને બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા સુધીની અને મહત્વનો બોગસ સરકારી પુરાવો ભો કરવાની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેથી પ્રારંભથી જ આ આરોપીઓનો મહત્વનો રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે.
મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર ૬૦૨ વાળી જમીનનું કૌભાંડ કરીને બારોબાર પચાવી પાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હતો જો કે, તેમાં આરોપી કોણ કોણ છે તેને લઈને હજુ ઘણી અવઢવ ચાલી રહી છે તેવામાં માર્ચ-૨૦૨૫ માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ હતી આ ગુનામાં સીઆઇડીની ટિમ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં સીઆઇડીના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટીમે આ ગુનામાં મુખ્ય મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર (૭૦) રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી અને સાગર નવઘણભાઇ સાવધાર રબારી (૩૯) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ ગુનામાં પોલીસે હેતલબેન ભોરણિયા અને ભરતભાઇ દેગામા નામના બે આરોપીની ધરપકડ કરી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
