News of Friday, 25th July 2025
તીર્થધામ નારાયણ સરોવરમા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય મંદિર સાથે વિશ્રાંતિ ભુવન-ભોજનાલયની સુવિધાનો પ્રારંભ થશે
વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો કાર્યક્રમ આગામી તા. ૧૦ થી તા. ૧૪ ઓગસ્ટ સુધી શ્રી.નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ગુજરાત રાજ્યના કચ્છમાં લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર મધ્યે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા નૂતન ભવ્ય મંદિર, અતિથિગૃહ અને ભોજનાલયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય ની વાત કરીએ તો આ ભારતદેશની ભૂમિ ખૂબજ ભાગ્યવંતી છે, આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયા ની સાથે અનેક ઋષિમુનીઓએ પણ જન્મધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ છે. આ તીર્થ ના દર્શનમાત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે.
ભારતખંડ માં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ગવાયો છે. તેમાં પંપા સરોવર, માન સરોવર, બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છ ગુજરાતનું સુવર્ણ આભૂષણ સમાન છે. કચ્છપ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે, નારાયણ સરોવર નો મહિમા શ્રીમદ્ભાગવત મહાપુરાણ માં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે, દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદઋષિની પ્રેરણાથી આ જ તીર્થક્ષેત્રમાં તપશ્ચર્યા કરીને સંતત્વને પામેલ, સાથો સાથ દશ પ્રચેતાઓ પણ દશ હજાર વર્ષ પર્યંત આ તીર્થક્ષેત્રમાં રહીને જપ-તપ કર્યાં છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ્ભાગવતમાં જોવા મળે છે. આવી ભાગ્યવંતી આ ધરાનો મહિમા ખૂબ અપરંપાર છે.
આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેપણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું. આ તીર્થધામ માં હજારો અને લાખો ની સંખ્યામાં યાત્રીકો દેવ દર્શન, યાત્રા , તર્પણ વિધિ, જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે અહીંયા આવે છે..
જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય ની વાત કરીએ તો વર્ષો થી આ મંદિરે સનાતન ધર્મ ના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયા માં અનેક મંદિરો, હરિ મંદિરો નું નિર્માણ કાર્ય સેવા, સત્સંગ અને સમર્પણ ના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે.
જ્યારે ભુજ મંદિર ના અક્ષર નિવાસી સંતો એ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિત માં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ પ્રવિત્ર ભુમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વિગેરે નું નિર્માણ થાય. સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, એ શ્રી. નરનારાયણ દેવ ના સાંનિધ્ય માં આ ભગીરથ સંકલ્પ કાર્ય કરવા, મંદિર ના મંડળધારી સંતો, વરિષ્ઠ સંતો, સાંખ્ય યોગી બહેનો અને દેશ વિદેશ માં વસ્તા હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતા સર્વ પ્રથમ ભુજ મંદિર ના સલાહકાર સમિતિ ના પ્ર.ભ. શ્રી. રામજીભાઈ દેવજી વેકરિયા પરીવાર એ ૧૨ એકર નું ભૂમિદાન આપવા તૈયારી બતાવતા ની સાથે મદનપુર ના હરિભક્ત શ્રી. કાનજીભાઈ મેપાણી સહ પરીવાર શિલાન્યાસ માં યોગદાન આપ્યું હતું તો મંદિર માં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિર ના કોઠારી મુરજીભાઈ શિયાણી એ તૈયારી બતાવતા ની સાથે અન્ય હરિભકતો માં શ્રી. રામજીભાઈ ગોપાલ દબાસીયા , શાંતીભાઈ દબાસીયા , લાલજીભાઈ દબાસીયા, કાંતીભાઈ નારાણ કેરાઈ , ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, શ્રી.રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને શ્રી.કાનજીભાઈ. કે. વરસાણી સામત્રા
વિગેરે દેશ વિદેશમાં વસ્તા અનેક હરિભક્તોએ આ ભગીરથ કાર્ય માં મોટી સેવા સાથે યોગદાન આપવાની તૈયારી સાથે મંડળ ધારી સંતો સ.ગુ.સ્વામી દેવકૃષ્ણદાસજી, સ.ગુ.સ્વામી બાલકૃષ્ણદાસજી, સ.ગુ.સ્વામી કેશવજીવનદાસજી, સ.ગુ.સ્વામી લક્ષ્મિપ્રસાદદાસજી, સ.ગુ.સ્વામી પુરૂષોત્તમસ્વરૂપદાસજી, સ.ગુ.સ્વામી દેવપ્રકાશદાસજી, સ.ગુ.સ્વામી ગોલોકવિહારીદાસજી વિગેરે સંતોના રાજીપા સાથે પ્રેરણાદાયી બનવાની સાથે
તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાતિભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું . આ અંગે વિશેષ માહિતી આપતાં ભુજ મંદિર ના કોઠારી સ્વામી શ્રી. દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે ખુબ ટૂંક સમય માં આ વિશાળ મંદિર કાર્ય પરીપૂર્ણ કરવામાં મંદિર ની બાંધકામ સમિતિ ના સંતો, સભ્યો તેમજ એન્જિનિયર ટીમ ના સચોટ માર્ગદર્શન સાથો સાથ ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતો ના સંકલ્પ સાથે નું માર્ગદર્શન અને આજ્ઞા સાથે ભગવાનશ્રી નરનારાયણ દેવ ના આશીર્વાદ થી આ ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણ નો એક કાર્યક્રમ આગામી તા. ૧૦-૦૮-૨૦૨૫ રવિવાર, શ્રાવણ વદ - ૧ થી તા. ૧૪-૦૮-૨૦૨૫ ગુરૂવાર, શ્રાવણ વદ ૬ સુધી શ્રી.નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં શ્રીનરનારાયણદેવ પીઠાધિપતિ ૫.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
આ પાવન પ્રસંગે કથાના વક્તા વ્યાસાસને બિરાજીમાન શાસ્ત્રી સંતો સુમધુર શૈલીમાં સંગીતના સથવારે કથામૃત રસપાન કરાવશે. ધામોધામથી વંદનીય સંતો, સાંખ્યયોગી બહેનો તથા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે. આ મહોત્સવમાં ધર્મકુળ, તથા સંતોનાં દિવ્ય દર્શન તેમજ કથાવાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્યભાગી બનાવવા ભુજ મંદિર ના મહંત શ્રી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો, તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં આ ઉત્સવ માં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
