<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સવારે ગિરનાર પર ૧, વંથલીમાં અડધો ઇંચ વરસાદ

જુનાગઢ, માણાવદર અને માંગરોળમાં પણ વરસાદી ઝાપટા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૫: આજે સવારે જૂનાગઢના ગિરનાર પર્વત પર એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્‍યારે વંથલી વિસ્‍તારમાં અડધો ઇંચ મેઘ મહેર થઈ હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં ગુરુવારથી મેઘરાજાએ હળવી મેઘકળપા કરવાનું શરૂ કર્યું છે. જુનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું અને સવારના ૬ થી ૮ના પ્રારંભિક ૨ કલાકમાં જૂનાગઢ ખાતે ૫ મીમી વરસાદ નોંધાયો હતો.

જુનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજા વરસી પડ્‍યા હતા. ગીરનાર પર્વત અને તેના જંગલ વિસ્‍તારમાં સવારના ૬ વાગ્‍યે મેઘ સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસી પડતા થોડી જ વારમાં ગિરનારની સીડી પર ધોધની માફક પાણી વહેતું થઈ ગયું હતું. ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. સવારે ૮ વાગ્‍યા પછી પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો.

સવારે વરસાદી માહોલ વચ્‍ચે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયો હતો જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિલોમીટરની રહી હતી.

સવારે વંથલી પંથકમાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા હતા અને ૯ મીમી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્‍યાપી ગઈ હતી. આ સાથે માણાવદર તાલુકામાં ૧ મીમી અને માંગરોળ પંથકમાં ૨ મીમી વરસાદ થયો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૬.૪, મહતમ તાપમાન ૩૧.૬, ભેજનું પ્રમાણ ૮૫%, પવનની ગતી ૬.૭ કિ.મી. રહી હતી.

(11:48 AM IST)