તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 25th July 2025
પોરબંદરમાં શ્રાવણ માસે દર્શનીય દુધેશ્વર મહાદેવ

પોરબંદરઃતા.૨૫: પ્રાચીન સુદામાપુરી નગરી વર્ષોથી પૂરાણ પ્રસિધ્ધ છે. યાત્રિકો સોમનાથથી દ્વરિકા જતાં ત્યારે સુદામાપુરીનાં દર્શન કરી દ્વરિકા જતા, આશરે સાતસો વર્ષ પહેલા ગિરનારનાં જંગલમાંથી નાગાબાવાની જમાત સુદામાપુરીના દર્શને આવેલી, તેઓએ મીઠા તળાવની સામે ઘેઘૂર વનરાજીમાં મુકામ કરેલ તે સમયે ગૌધનમાંથી છુટી પડેલ ગાયને દુધથી અભિષેક કરતી હતી તેજગ્યા જોઈ ત્યાં ભરાયેલ પાણીની અંદર મહાદેવજીનું બાણલિંગ જોયું, તે સ્વયં પ્રગટ શિવ પરમાત્મા હોય ત્યાં મહાદેવજીની પૂજા કરી જગ્યા પવિત્ર તથા તપ કરવા લાયક લાગતાં ઘણો સમય જપ, તપ કરેલ અને સ્થળ તથા જગ્યાનું નામ દુદાસર રાખેલ તે પ્રભુ સ્વયંભુ પાછળથી શ્રી દુધેશ્વર મહાદેવથી પ્રખ્યાત થયેલ છે.જુનાં પોરબંદર રાજ્યનાં સમયમાં આ દુદાસરની જગ્યા ગામની બહાર ગણાતી અને મહાદેવજી પાણીમાં ગળાડુબ રહેતા, સામે મોટું તળાવ હતું તથા નાળીયેરી તેમજ ઉંબરા, પિપળા તથા વડલાનાં વળક્ષો હતા.
પોરબંદરના રાણા વિકમાતાજી ઉર્ફે ભોજરાજજીનાં રાજ્યકાળ દરમ્યાન પાછળનાં ચૌદ વર્ષ રાજ્ય વહિવટ અંગ્રેજ સત્તાએ સંભાળ્યો. પ્રથમ એડમિનિસ્ટ્રેટર શ્રી લેલી આવ્યાં શ્રી લેલી ની ઈચ્છા ગામ પોરબંદરનો વિકાસ થાય તેવી હોવાને કારણે ઈ.સ. ૧૮૮૮ માં તેમણે પોરબંદરનો કિલ્લો પડાવી નાંખ્યો તે કિલ્લો પડયા બાદ શહેરનાં પૂર્વ અને ઈશાન ભાગો વિકસ્યા એટલે કે રામટેકરી તથા દુદાસર તરફનાં ભાગો વિકસ્યા. આ દુદાસર એજ શ્રી દુધેશ્વર મહાદેવની જગ્યા અને આજુબાજુનો વિસ્તાર. મહાદેવની જગ્યા પાસે શ્રી લેલી સાહેબનું નિવાસ સ્થાન હતું તે દુદાસરના બંગલા નામે પ્રખ્યાત હતું. અત્યારે તે બંગલો લેડી હોસ્પિટલ તરીકે વપરાય છે.નવો રાજમહેલ સમુદ્ર કિનારે થતાં મહારાણા શ્રી નટવરસિંહજીના પિતા શ્રી ભાવસિંહજી તથા શ્રી રામબા સાહેબ શ્રી દુધેશ્વર મહાદેવનાં દર્શને પધારતા હતાં. ઈ.સ. ૧૯૨૦ માં મહારાણા શ્રી નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયા હતો. તેઓશ્રીએ શિવાલયનાં ક્ષેત્રફળ વાળી જગ્યા ચો. વા.૫૬૭-૦૦ શ્રી દુધેશ્વર શિવાલયને અર્પણ કરેલ છે તથા દર શ્રાવણ માસમાં આ પ્રભુની પૂજા શ્રી નટવરસિંહજીબાપુ તરફથી દરરોજ ભુદેવો કરવા આવતા. આ મહાદેવની જગ્યા આસપાસ મોટું તળાવ હતું તથા ૧૦ થી ૧૨ વાવ હતી તેથી જુના પોરબંદરમાંથી બહેનો કપડાં ધોવા આવતી તથા પાણી ભરવા આવતી તેમજ સાધુ-સંતો તાાન કરી પ્રભુની પૂજા કરી ગામમાં જતાં. મહાદેવજીના પરચા ઘણાં છે. ઘણાંની મનોકામના પૂર્ણ કરી છે.
અહેવાલ :
પૂજારી શ્રી નિલેષભાઈ ભરતભાઈ વ્યાસ દૂધેશ્વર મહાદેવ મંદિર પોરબંદર
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
