News of Sunday, 27th July 2025
જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની મોટી સફળતા : સગીરાને ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પડ્યો!
રાજકોટ રેન્જ IG અશોકકુમાર અને જામનગર SP પ્રેમસુખ ડેલૂની સૂચના હેઠળ કાર્યવાહી : સગીરાનું અપહરણ કરનાર હિતેશપરી ગોસ્વામીને ૨૦૨૩ થી નાસતો ફરતો હતો : અલીરાજપુરથી ઝડપાયો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર જિલ્લામાંથી ગુમ થયેલા સગીરવયના બાળકો અને અપહરણના ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની ખાસ સૂચના તથા માર્ગદર્શન અનુસાર, જામનગર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખર અને તેમની ટીમે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડી, અપહરણ કરાયેલી સગીરાને હેમખેમ શોધી કાઢી છે.
હાપા જામનગરથી સગીરાનું અપહરણ કરી બે વર્ષથી નાસતો ફરતો હતો લાલપુરનો હિતેશપરી: AHTU ના એ.એસ.આઈ. આર.કે. ગઢવી અને આર.કે. ઝાલાની બાતમી આધારે ધરપકડ, આરોપીનો જૂનો ગુનાહિત ઇતિહાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખરના માર્ગદર્શન હેઠળ, યુનિટના સ્ટાફના માણસો સગીરવયની બાળાઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. આ દરમિયાન, હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે તેમને ચોક્કસ બાતમી મળી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર-૩૨૯/૨૦૨૫, IPC કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી હિતેશપરી નટુપરી ગોસ્વામી, ઉંમર ૩૩, રહે. આરબલુસ, તા. લાલપુર, જિ. જામનગર, ફરિયાદીની સગીરવયની દીકરીને હાપા, જામનગરથી તા. ૧૪/૦૨/૨૦૨૩ ના રોજ ભગાડી અપહરણ કરી ગયો હતો.
AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખર તથા એ.એસ.આઈ. આર.કે. ગઢવી અને એ.એસ.આઈ. આર.કે. ઝાલાને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર બંને હાલ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ભાભરા ખાતે છે. આ બાતમીના આધારે, AHTU ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિતેશપરી ગોસ્વામી અને ભોગ બનનાર સગીરા બંનેને શોધી કાઢી હસ્તગત કર્યા હતા. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
આરોપી હિતેશપરી નટુપરી ગોસ્વામીનો ગુનાહિત ઇતિહાસ છે. તેના વિરુદ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૦૦૫૮/૨૦૧૪, IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ મુજબનો ગુનો નોંધાયેલો છે અને આ કેસમાં તેને સજા પણ થયેલી છે.
આ કામગીરીમાં સંડોવાયેલા અધિકારી/કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખર (AHTU, જામનગર), એ.એસ.આઈ. રણમલભાઈ કારાભાઈ ગઢવી (AHTU, જામનગર), એ.એસ.આઈ. રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલા (AHTU, જામનગર), પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણબેન રણછોડભાઈ મેરાણી (AHTU, જામનગર) અને પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન નાગજીભાઈ સાબળીયા (AHTU, જામનગર) એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
