<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

મોરબીની મહેંદ્રસિંહજી સાયન્સ કોલેજમાં પાંચ દિવસીય “ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ” કાર્યક્રમ સંપન્ન.

આંત્રપ્રિનોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII), અમદાવાદ અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સહયોગથી કાર્યક્રમ યોજાયો: 35થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની શ્રી મહારાજા મહેંદ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે 21 થી 25 જુલાઈ, 2025 દરમિયાન વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય “ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ” કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આંત્રપ્રિનોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII), અમદાવાદ અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીના સહયોગથી યોજાયો હતો, જેમાં 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી” અંતર્ગત વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક સાહસો શરૂ ક૨વા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને યોગ્ય માનસિકતાથી સજ્જ કરવાનો હતો. આ પહેલ યુવાનોમાં ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રોત્સાહન આપી, તેમને ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવવાનો એક ભાગ હતો.

કાર્યક્રમનું ઉદ્ઘાટન 21 જુલાઈના રોજ કોલેજના ઈ. પ્રિન્સિપાલ ડો. હિતેષ માંડવિયા, રૈયાણી સાહેબ, ચૌધરી સાહેબ, કોલેજના સ્ટાફ અને EDII ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયની ઓળખ, શરૂઆત અને સંચાલન વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

પાંચ દિવસીય તાલીમ દરમિયાન ઉદ્યોગસાહસિકતાના મુખ્ય ઘટકો, વ્યવસાયની તકોની ઓળખ, બજાર સર્વેક્ષણ, બિઝનેસ આઈડિયા જનરેશન, નાણાકીય વ્યવસ્થાપન, માર્કેટિંગ વ્યૂહરચના અને વ્યવસાયના કાનૂની તથા નૈતિક પાસાઓ જેવા અનેક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમના પોતાના વ્યવસાયિક સાહસોની કલ્પના અને આયોજનમાં વ્યવહારુ અનુભવ મળ્યો, જેમાં ફંડિંગ, સ્કેલિંગ અને વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પણ અપાયું. તેમજ નક્કી કરેલા માપદંડો મુજબ વ્યવહારુ બિઝનેસ પ્લાન સબમિટ કરનાર વિદ્યાર્થીઓને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ S ટે રૂ. 40,000 ની ગ્રાન્ટ પણ મળશે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ચર્ચાઓ અને જૂથ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. ઘણા વિદ્યાર્થીઓએ ઉદ્યોગસાહસિક બનવાની આકાંક્ષા અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો, અને કેટલાક તો તાલીમ દરમિયાન ચર્ચાયેલા વિચારોને અમલમાં મૂકવાની યોજના પણ બનાવી રહ્યા છે

(11:07 PM IST)