News of Monday, 28th July 2025
વાડીનારના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

જામ ખંભાળિયા, તા.૨૭: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના મૂળ રહીશ અને હાલ અહીંના બંગલાવાડી ખાતે રહેતા ઘનશ્યામસિંહ નારુભા વાઢેર નામના ૩૮ વર્ષના યુવાનને કે.પી.ટી. ગેઈટ પાસે હૃદયરોગનો હુમલો આવી જતા તેમને મૂર્છિત અવસ્થામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મળત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગેની જાણ મળતકના મોટાભાઈ નરેન્દ્રસિંહ નારુભા વાઢેરએ વાડીનાર મરીન પોલીસને કરી છે.
બારાડી બેરાજાના આઘેડને મારી નાખવાની ધમકી
બારાડી બેરાજા ગામની સીમ વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ કાનાભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષના આધેડ શનિવારે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, દાત્રાણા ગામની ગોલાઈ પાસે પહોંચતા તેમના માર્ગ આડે એક કાર થોભાવીને ઉભેલા આ જ ગામના નથુ ભીખાભાઈ ચાવડા, ટપુ ભીખાભાઈ ચાવડા અને ખીમા કરસનભાઈ ચાવડા નામના ત્રણ શખ્સોએ કોઈ બાબતે બોલાચાલી કરી, અને લાકડાના ધોકા વડે તેમને માર્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગુનો નોંધ્યો છે.
દ્વારકા તાલુકામાં જાહેરનામા ભંગ સબબ બે સામે કાર્યવાહી
દ્વારકામાં આદિત્ય રોડ પર આવેલા ઓમ શાંતિ હોમ સ્ટેટના સંચાલક મયુર મણિલાલ ગોકાણીએ અહીં આવતા યાત્રાળુઓ માટેના અનિવાર્ય એવા પથિક સોફ્ટવેરને કાર્યરત ન કરતા તેની સામે દ્વારકા પોલીસે ગુનો નોંધ્યો છે.
ઓખા મરીન પોલીસની કાર્યવાહીમાં આરંભડા વિસ્તારમાં રહેતા અબાસ હુસેન સુંભણીયા નામના ૨૩ વર્ષના માછીમાર યુવાન દ્વારા પરવાનગી વગર તથા માછીમારી કરવા માટેનું ઓનલાઈન ટોકન મેળવ્યા વગર તેમજ પોતાની હોડીના રજીસ્ટ્રેશનના કાગળ સાથે રાખ્યા વગર દરિયામાં માછીમારી કરવા જઈને પરત આવતા પોલીસે ઝડપી લઈ, ગુનો નોંધ્યો છે.
બાકોડી અને ખંભાળિયામાં ૧૧ જુગારીઓ ઝડપાયા
બાંકોડી ગામે મોડી રાત્રિના સમયે એક મંદિર પાસે બેસી અને સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા લખમણ કરસન ગોજીયા, મેરગ રામ ચાવડા, કેવલ ભીમશી બેડીયાવદરા, ?વીણ રણમલ ભાટિયા, સોહિલ વિરા કરમુર, મનોજ લખમણ ગોજીયા અને આશિષ રાજુ કરમુર નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. ૧૦,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખંભાળિયા પોલીસની કાર્યવાહીમાં અહીંની આદર્શ સ્કૂલ પાસેથી દેવા નાથા ચૌહાણ અને હાર્દિક જસા વેસરાને તેમજ આ જ વિસ્તારમાંથી મંગા વસતા રાઠોડ અને સુમિત દેવશી ટોયટાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે ઝડપાયો
નગર ગેઈટ વિસ્તારની અંદર મહેશ્વરી ગલી ખાતે રહેતા જીતુ બાલાભાઈ ડોરૂ નામના ૨૫ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૯,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૯ બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી જીતુ ડોરૂની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં અન્ય એક શખ્સ વિશાલ દુલા વરમલ (રહે. પાંચ હાટડી ચોક) ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
