News of Monday, 28th July 2025
પોરબંદરના ચકચારી દુષ્કર્મના ગુનાનો ભેદ ઉકેલાયો : LCB એ ગણતરીના દિવસોમાં તમામ 4 આરોપીઓને દબોચી લીધા : મુખ્ય આરોપી અમદાવાદથી ઝડપાયો!
સગીરાને કેફી પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજારવા અને સિગારેટના ડામ દેવાના જઘન્ય કૃત્યમાં સંડોવાયેલા જયરાજ સુંડાવદરા, મલ્હારસિંહ ચૌહાણ, રાજુ મુળીયાસીયા અને મેરગ સિંધલ પોરબંદર LCBના સકંજામાં : પોલીસની 4 ટીમોની સઘન તપાસ બાદ મોટી સફળતા

(પરેશ પારેખ દ્વારા )પોરબંદર : પોરબંદર જીલ્લામાં સગીરા પર દુષ્કર્મ અને યાતના ગુજારવાના ચકચારી ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનાના તમામ ચાર આરોપીઓને ઝડપી પાડી, પોલીસની સઘન કામગીરીનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રચાયેલી ચાર ટીમોએ આ સફળતા હાંસલ કરી છે.
ગુનાની વિગત:
ગત તા. 24/07/2025ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. 22/07/2025ના રોજ આરોપી નંબર 1 જયરાજ દિલીપભાઈ સુંડાવદરા (ઉ.વ.22, રહે. જી.આઈ.ડી.સી. રેસીડેન્ટ, પોરબંદર) એ ફરિયાદીની સગીર પુત્રીને નાસ્તો કરવાના બહાને લલચાવી-ફોસલાવી અપહરણ કર્યું હતું. પોતાની સફેદ કલરની 8070 નંબરની સફારી ફોરવ્હીલમાં ઘરેથી લઈ જઈ, રસ્તામાં ભોગ બનનારને કોઈ કેફી પીણું પીવડાવ્યું હતું.
ત્યારબાદ, આરોપી જયરાજ સુંડાવદરા, મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ (ઉ.વ.22, રહે. એરપોર્ટ પાછળ, પીકનીક હાઉસ નં. 2, પોરબંદર) અને રાજુ ઉર્ફ રાજ લખમણભાઈ મુળીયાસીયા (ઉ.વ.22, રહે. આશાપુરા ચોક, ગેસ ગોડાઉન પાછળ, પોરબંદર) એ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, ત્રણેય આરોપીઓએ સગીરાના હાથ અને પગમાં સિગારેટના ડામ દઈ ઈજા પણ પહોંચાડી હતી.
આ પછી, આરોપી નંબર 2 અને 3 સગીરાને સફારી ફોરવ્હીલમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા, જ્યાં આરોપી નંબર 4, કાળા કલરની ફોરવ્હીલવાળા અજાણ્યા ઈસમ મેરગ ઉર્ફ મેરૂ જેઠાભાઈ સિંધલ (ઉ.વ.22, રહે. બોખીરા સતીઆઈના મંદિર પાસે, પોરબંદર) સાથે મળીને સગીરાને ગામમાં લઈ ગયા હતા. ત્યાં આરોપી નંબર 3 એ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને બાદમાં ફરી ચોપાટી ખાતે લઈ જઈ, આરોપી નંબર 2 અને 3 સગીરાને સફેદ કલરની સફારી ફોરવ્હીલમાં બેસાડી ફરિયાદીના ઘરે મૂકી ગયા હતા. આ ગુનામાં એકબીજાની મદદગારી કરવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ:
આ ગંભીર ગુનાની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 137(2), 123, 64(2)(આઈ), 70(2), 115(2), 54 અને પોક્સો કલમ 4, 6, 8, 10, 17 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોરબંદર પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ LCB, SOG, પેરોલ ફર્લો સ્કોડ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની એમ 4 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
ગુનો જાહેર થયા બાદ તુરંત જ LCBની એક ટીમને મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન, ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ હતી, ત્યારે એલ.સી.બી. ટીમે સૌ પ્રથમ આરોપી મલ્હારસિંહ ચૌહાણને તેના રહેણાંક મકાનેથી દબોચી લીધો હતો.
ત્યારબાદ, ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા કાળા કલરની ફોરવ્હીલવાળા અજાણ્યા ઈસમની ઓળખ માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદ લેવામાં આવી હતી. તપાસમાં GJ-10-BG-8426 નંબરની કાળા કલરની ઓડી કાર વપરાઈ હોવાનું સામે આવતા, LCB ટીમે કારના માલિક આરોપી મેરગ ઉર્ફ મેરૂ જેઠાભાઈ સિંધલને ઓરિએન્ટ ફેક્ટરી પાછળથી પકડી પાડ્યો હતો.
આ બંને આરોપીઓની ધરપકડ બાદ, ગુનાના અન્ય આરોપી રાજુ ઉર્ફ રાજ લખમણભાઈ મુળીયાસીયાને પણ અમદાવાદ ખાતેથી દબોચી લઈ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
અંતે, ગુનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપભાઈ સુંડાવદરા પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો. LCB ટીમે અમદાવાદ શહેરના 30 જેટલા સી.સી.ટી.વી. કેમેરા તપાસી, 65 જેટલી હોટલ, ઢાબા અને પી.જી.ની તપાસ કરી તેની ભાળ મેળવી હતી. આખરે, અમદાવાદ ખાતે એસ.જી. હાઈવે પર આવેલા સ્વાદ ગાંઠિયા રથ નજીકથી મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરાને દબોચી લેવામાં આવ્યો હતો અને તેને પોરબંદર લાવી આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો હતો.
આમ, ગેંગરેપ જેવા ગંભીર ગુનાના તમામ ચારેય આરોપીઓને પોરબંદર LCB દ્વારા ગણતરીના દિવસોમાં શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:
* જયરાજ દિલીપભાઈ સુંડાવદરા (ઉ.વ.22, રહે. જી.આઈ.ડી.સી. રેસીડેન્ટ, પોરબંદર)
* મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ (ઉ.વ.22, રહે. એરપોર્ટ પાછળ, પીકનીક હાઉસ નં. 2, પોરબંદર)
* રાજુ ઉર્ફ રાજ લખમણભાઈ મુળીયાસીયા (ઉ.વ.22, રહે. આશાપુરા ચોક, ગેસ ગોડાઉન પાછળ, પોરબંદર)
* મેરગ ઉર્ફ મેરૂ જેઠાભાઈ સિંધલ (ઉ.વ.22, રહે. બોખીરા સતીઆઈના મંદિર પાસે, પોરબંદર)
કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં LCBના I/C PI આર.કે. કાંબરીયા તથા ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા HC ઉદયભાઈ વરુ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઈ વસાવા વિગેરેનો સમાવેશ થાય છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
