<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

પોરબંદરઃ માછીમારો માટે સરકારના માનવીય વલણને બોટ એશોસિએશન દ્વારા આવકાર

ઓટીપી અને આધાર વેરીફિકેશન પ્રશ્‍ને મત્‍સ્‍યોદ્યોગ મંત્રીશ્રીએ વ્‍યથા સાંભળી વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરી

પોરબંદર તા.૨૯: બોટમાં જનાર ખલાસીઓ- ટંડેલ માટે દર વખતે ઓટીપી- આધારકાર્ડ વેરીફીકેશન ફરજિયાત અંગે માછીમાર બોટ એસોસિએશનની મત્‍સ્‍યોદ્યોગ મંત્રી રાઘવજીભાઇ પટેલે રજુઆત સાંભળીને અન્‍ય વૈકલ્‍પિક પધ્‍ધતિ અંગે ખાતરી આપી માનવીય વલણ અપનાવ્‍યું હતું તેને આવકારવામાં આવ્‍યો છે.

આગામી તા. ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૫ થી શરૂ થનાર માછીમારી નવી સીઝન પૂર્વે ગુજરાત રાજ્‍યનાં મત્‍સ્‍યોદ્યોગ વિભાગ દ્વારા દરિયાઈ સુરક્ષાને લઈને નવી સીસ્‍ટમ જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત દર બોટમાં જનાર ટંડેલ, ખલાસીઓ માટે આધાર વેરિફિકેશન ફરજીયાત કરવામાં આવ્‍યું હતું.

આ નવી પધ્‍ધતિને લઈને ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાળ અને માચ્‍છીમાર બોટ એસોસીએશનનાં યુવા પ્રમુખ મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરી એ મત્‍સ્‍યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ને માછીમારોની પીડા વ્‍યક્‍ત કરી હતી કે, બોટમાં કામ કરતા ખલાસીઓ મોટા ભાગે અભણ, રૂરલ એરિયાનાં અને મોબાઈલ બાબતે અજાણ હોય છે. તેઓના આધાર કયા નંબર સાથે જોડાયેલા છે એ યાદ ન હોય અને સ્‍કીમ આધારિત મોબાઈલ નંબર બદલતા રહેતા હોવાથી વેરિફિકેશન પધ્‍ધતિ તેમના માટે દુઃસાધ્‍ય બને છે.

આ રજુઆત બાદ મત્‍સ્‍યોદ્યોગ મંત્રીશ્રીએ તાત્‍કાલિક સંવેદનશીલતા દર્શાવી મત્‍સ્‍યોદ્યોગ વિભાગના સચિવશ્રી સંદિપકુમાર અને મત્‍સ્‍યોદ્યોગ કમિશ્નર વિજય ખરાડીને માર્ગદર્શિત કર્યાં કે જ્‍યાં સુરક્ષાનાં દ્રષ્ટિકોણે શકય હોય ત્‍યાં આધાર OTP સિવાયની વિકલ્‍પ પધ્‍ધતિ અપનાવવામાં આવે. તેની ખાતરી આપી હતી. તેમ માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશભાઇ પાંજરીએ જણાવ્‍યું છે.

(11:36 AM IST)