<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

વિસાવદરમાં બેલા વિવાદમાં હવે કોંગ્રેસની એન્ટ્રી : પાલ આંબલિયાએ ગોપાલ ઈટાલિયાને ટોણો માર્યો

આંબલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહીને.]

વિસાવદરમાં બેલા વિવાદમાં હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ ચૂકી છે. આ વિવાદ હડમતિયા (વીશળ) ગામે શરૂ થયો હતો. જ્યાં પહેલા ગોપાલ ઈટાલિયાએ સભા દરમિયાન એક મહિલાની રજૂઆત બાદ બેલા હટાવ્યા હતા. જોકે, ગામના લોકો અને સરપંચ સહિતનાઓએ મામલતદારનો હુકમ અને કોર્ટનો ઓર્ડર બતાવીને ફરીથી બેલા મૂકી દીધા હતા. ગોપાલ ઈટાલિયાએ બે દિવસમાં બેલા હટાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઘટના બાદ, કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાને ટોણો માર્યો હતો.

આ વિવાદ વચ્ચે, કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ગોપાલ ઈટાલિયા પર સીધા પ્રહારો કર્યા છે. આંબલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, એડવોકેટ એમએલએ હિટલરશાહી ખતમ કરવાની લડાઈમાં હિટલરશાહીને જન્મ તો નથી આપતા ને?. તેમણે ગોપાલ ઈટાલિયાના મામલતદાર સામેના નિવેદનનો પણ વિરોધ કર્યો, જ્યાં ગોપાલભાઈએ કહ્યું હતું કે મામલતદાર ન્યાય શું કરશે. પાલ આંબલિયાના મતે, આ શબ્દો દર્શાવે છે કે ગોપાલ ઈટાલિયાને ક્યાંક ને ક્યાંક ખબર હતી કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. આંબલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ઉતાવળે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહીને.

પાલ આંબલિયાએ જણાવ્યું કે, આ ભાઈ-ભાઈ વચ્ચેની લડાઈ છે. તેમણે સૂચન કર્યું કે જો ગોપાલ ઈટાલિયાએ બંને કુટુંબને બોલાવી, સાથે બેસાડી, ચા પીવડાવીને આ મામલો સુલટાવ્યો હોત તો આખું ગુજરાત તેની વાહવાહી કરત. તેમણે ગોપાલ ઈટાલિયાને ખંભાળિયાની એક ઘટનાની યાદ પણ અપાવી, જ્યાં તેમની વિજય યાત્રા દરમિયાન ખેડૂતોએ 100 વર્ષ જૂનો રસ્તો એક કંપની દ્વારા બંધ કરી દેવાયાની રજૂઆત કરી હતી. પાલ આંબલિયાએ ગોપાલ ઈટાલિયાને ખંભાળિયા આવીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા આમંત્રણ આપ્યું છે.

પાલ આંબલિયાએ જણાવ્યું કે આ પોસ્ટ બાદ તેમને સોશિયલ મીડિયા પર બહુ બધા ટ્રોલ થવું પડ્યું છે અને વિરુદ્ધમાં કોમેન્ટ્સ આવી છે. કેટલાક લોકોએ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો જ કેમ વિરોધ કરે છે તેવા સવાલો કર્યા, જેના જવાબમાં આંબલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ પણ વિસાવદરની ચૂંટણીથી અત્યાર સુધી સંપૂર્ણ કોંગ્રેસનો જ વિરોધ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમનું કામ ઝઘડો કરાવવાનું નહીં, પરંતુ ઝઘડાનું સમાધાન કરાવવાનું હોવું જોઈએ. પાલ આંબલિયાએ સ્પષ્ટ કર્યું કે, ભલે તેઓ કોંગ્રેસમાં હોય, પરંતુ તેઓ ગુજરાતના નાગરિક છે અને જ્યારે અપેક્ષા મુજબનું કામ ન થતું હોય ત્યારે એક નાગરિકના નાતે વાત કરવાનો તેમને અધિકાર છે.

(7:23 PM IST)