<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભાવનગર ભાજપમાં ભડકોઃ મેયર ભરત બારડની આત્‍મવિલોપનની ચિમકી

અન્‍યાય કરીને અવાજ દબાવવામાં આવતો હોવાનો આક્ષેપઃ ભાજપ પ્રભારી રત્‍નાકરજી આવી રહ્યા છે ત્‍યારે જ ડખ્‍ખો થતા રાજકીય હલચલ

 

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૩૦: ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે તેઓની સાથે થતા અન્‍યાય અને તેઓને નિશાન બનાવતા હોવાની હૈયા વરાળ ઠાલવી છે. જો તેઓને દબાવવામાં આવશે તો જાહેરમાં આત્‍મવિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્‍ચારી છે. મેયરની આ ચીમકીથી ભાજપમાં ભડકો થયો છે અને ચર્ચા જાગી છે.

ભાજપના પ્રભારી રત્‍નાકરજી ભાવનગર આવી રહ્યા છે ત્‍યારે જ આ ભડકો થયો છે.

ભાવનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે.ભાવનગર શહેર ભાજપ અને કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી સંગઠન અને નગરસેવકો સામસામે આવી ગયા છે. ભૂતકાળમાં પણ સંગઠનથી નારાજ નગરસેવકોએ છેક પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી ત્‍યાં આજે શહેર ભાજપના સોશિયલ મીડિયા વોટ્‍સઅપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે ભાજપ અને ભાજપના આગેવાનો પ્રત્‍યેની નારાજગી વ્‍યક્‍ત કરી છે.

શહેર ભાજપના વોટ્‍સઅપ ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે ભાજપમાં તેઓની નિષ્ઠા અને મેયરનું પદ કઈ રીતે મળ્‍યું, તેઓ ૧૯૭૮ થી જનસંઘમાં જોડાયા ત્‍યારથી થાંભલે થાંભલે ચંડીઓ બાંધવાથી લઈ ભાજપના કાર્યકર તરીકે તેઓની કામગીરી ને લઇ નહીં કે કોઈની લાગવગથી મેયર બનાવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું .

તદુપરાંત અમુક લોકો તેઓને નિશાન બનાવી રહ્યા હોવાની અને એક સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્‍યવહાર કરતા હોવાની પણ હૈયા વરાળ ઠાલવી હતી.

વધુમાં તેઓને ખોટી રીતે દબાવવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે તેઓ જાહેરમાં આપનો વિલોપન કરશે અને આપનો વિલોપન પહેલા તે કંઈકના રાજ ખોલશે તેવી પણ ચીમકી ઉચ્‍ચારી હતી. પરંતુ રાત્રે ૧૧-૩૦ એ મેયરની પોસ્‍ટથી ભાજપમાં હલચલ મચી ગઈ છે.

મેયર છેલ્લા ઘણા સમયથી ભાજપના એક ચોક્કસ જુથની નજરમાં ખટકી રહ્યા છે. બદલીઓ, કોન્‍ટ્રાકટ સહિતની બાબતમાં તેમની દખલગીરી ભાજપના એક જુથને નડતી હતી જેને કારણે પ્રથમ નાગરીક હોવા છતા વારંવાર તેમનું અપમાન થાય તેવા વર્તનથી વ્‍યથીત થયા છે.

જો કે, કોર્પોરેશનની ચૂંટણીને હવે છ મહિના જ બાકી છે ત્‍યારે મેયર કોઇ ધડાકો કરશે તો અનેકની રાજકીય કારર્કિદીને અસર થશે. ભાવનગરમાં હાલ રાજકીય આલમમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે. (૭.ર૪)

(10:57 AM IST)