<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

પોરબંદરમાં ૧૯ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો : ફરિયાદીનો બનેવી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ : રાજકોટના બે આરોપી ઝડપાયા!

રાણાવાવના ખીજદડ ગામે બનેલી સનસનાટીભરી લૂંટ-ધાડનો પોરબંદર LCB એ ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો : લૂંટનો તમામ ૧૯.૭૦ લાખનો મુદ્દામાલ રિકવર : મુખ્ય સૂત્રધાર દિલીપ સાંજવા અને પ્રફુલ સરાડવા રાજકોટથી ઝડપાયા : દિલીપ સાંજવાનો લાંબો ગુનાહિત ઇતિહાસ અને અનોખી 'મોડસ ઓપરેન્ડી' ખુલી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર : પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારના ખીજદડ ગામે ગત તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ બનેલા ૧૯ લાખના દાગીના અને રોકડ રૂપિયાની સનસનાટીભરી લૂંટ-ધાડના ગુનાનો પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ લૂંટના ગુનાનું કાવતરું ઘડનારમાં ફરિયાદીનો જ બનેવી અને તેના એક સાથીદારનો સમાવેશ થાય છે, જેમને પોલીસે રાજકોટથી પકડી પાડ્યા છે. પોલીસે લૂંટ થયેલો તમામ રૂ. ૧૯.૭૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં પણ સફળતા મેળવી છે.
બનાવની ગંભીર વિગતો: જીવલેણ હુમલો અને ધમકી
ગઈ તા. ૨૮/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે છ અજાણ્યા આરોપીઓ ફરિયાદી કરશનભાઈના ખીજદડ ગામની વાડીના રહેણાંક મકાનમાં ઘુસી ગયા હતા. તેઓ પ્રાણઘાતક છરીઓ જેવા હથિયારો ધારણ કરીને આવ્યા હતા. ફરિયાદીને પાણી આપવાનું કહી, તેમને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને મોઢે ડૂચો દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફરિયાદીના પત્ની પમીબેન અને પુત્રવધૂ જશુબેનને પણ મોઢે ડૂચો દઈ, ૮ વર્ષના પૌત્ર દક્ષને ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જ્યારે પમીબેન બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ છરી વડે તેમના બંને હાથની આંગળીઓમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તમામ પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપીને એક રૂમમાં પૂરી દઈ, બહારથી દરવાજાનો આગળીયો બંધ કરી દેવાયો હતો. ત્યાર બાદ આરોપીઓએ બંને રૂમમાં રાખેલા અલગ-અલગ કબાટોના લોક તોડી અને ચાવી વડે ખોલીને કબાટમાં રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
લૂંટ થયેલા દાગીનામાં ૪ સોનાના મંગળસૂત્ર, ૩ સોનાના પેન્ડલ સેટ, ૨ સોનાની ચેઈન, ૪ સોનાની વીંટી, ૧ શિવલિંગ અને ઓમની ડિઝાઇનવાળી રુદ્રાક્ષના પારાવાળી સોનાની લક્કી, અને ૨ જોડી સોનાની બુટ્ટીનો સમાવેશ થાય છે. આ સોનાના દાગીનાનું વજન આશરે ૨૭ તોલા હતું, જેની કિંમત અંદાજે ₹૧૮,૯૦,૦૦૦/- થાય છે. આ ઉપરાંત ₹૮૦,૦૦૦/- રોકડા રૂપિયા પણ લૂંટવામાં આવ્યા હતા. આમ, કુલ ₹૧૯,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ છ અજાણ્યા આરોપીઓ બળ પ્રયોગ કરી ધાડ પાડી લૂંટ કરીને નાસી ગયા હતા. આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. એ-૧૧૨૧૮૦૧૫૨૫૦૫૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૧૦(૨), ૩૧૧, ૩૩૨(બી), ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી: LCB ની ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડ
આ અનડિટેક્ટ ગુનાના મુખ્ય ગુનાહિત કાવતરૂ ઘડનાર પકડવાના બાકી આરોપીઓ (૧) પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ સરાડવા (ર) દિલીપ માલદેભાઈ સાંજવાને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સચોટ માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.
પોરબંદર એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તા. ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ લૂંટ કરનાર તમામ છ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી લૂંટ કરાયેલા તમામ સોનાના દાગીના અને રોકડા રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કર્યો કે, ફરિયાદી કરશનભાઈની વાડીએ લૂંટ કરવા માટે તેમને પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ સરાડવા (રહે. રાજકોટ) અને ફરિયાદી કરશનભાઈના બનેવી દિલીપ માલદેભાઈ સાંજવા (રહે. રાજકોટ) વાળાએ ફરિયાદીની વાડીના મકાનમાં રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા અંગેની માહિતી આપી હતી અને વાડી બતાવી લૂંટ કરવાનું ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. લૂંટ દરમિયાન મળેલા સોનાના દાગીના અને રોકડા રૂપિયામાંથી પ્રફુલભાઈ અને દિલીપભાઈને ૨૫-૨૫ ટકા ભાગ આપવાનું અને ૫૦ ટકા ભાગ પોતે રાખવાનું અગાઉથી નક્કી કરાયું હતું.
આ હકીકત જણાવતા, ગુનાના મુખ્ય કાવતરૂ ઘડનાર આરોપીઓ (૧) પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ સરાડવા અને (૨) દિલીપ માલદેભાઈ સાંજવા હાલ કુતિયાણા ચૌટા વાક પાસે ઉભેલ હોવાની ખાનગીરાહે હકીકત મળતા, પોલીસે તુરંત જ તે સ્થળે પહોંચી બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા, તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી અર્થે રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.
આરોપીઓની વિગત અને ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:
 * પ્રફુલ પ્રભુદાસભાઈ સરાડવા, ઉ.વ.૬૨, રહે. રાજકોટ, કેવડાવાડી, સિવિલ હોસ્પિટલ આગળ, રાજકોટ.
 * દિલીપ માલદેભાઈ સાંજવા, ઉ.વ.૪૬, રહે. રાજકોટ, મોટા મવા, શ્રીનાથજી પાર્ક શેરી નં.૩, રાજકોટ.
ઉપરોક્ત બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા (ઇ-ગુજકોપ એપ્લીકેશન, ICJS પોર્ટલ, પોકેટ કોપ, ફેસ ટેગર એપ્લીકેશન મારફતે), આરોપી દિલીપ માલદેભાઈ સાંજવા નીચે મુજબના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જણાઈ આવ્યું છે:
 * રાજકોટ ગ્રામ્ય, જેતપુર સિટી પો.સ્ટે. ગુ.ર.નં. III ૧૭૩/૨૦૧૬, પ્રોહી. ક. ૬૬(૧)બી, ૮૫(૧)(૩) મુજબ.
 * ગાંધીનગર, ઇન્ફોસિટી પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૪૭/૨૦૧૮, IPC ક.૩૦૨, ૩૪૬, ૩૬૪A, ૩૮૬, ૧૨૦બી મુજબ.
 * લખનઉ, જાનકીપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૭૨/૨૦૧૮, IPC ક. ૪૨૦, ૩૪૩, ૩૮૬, ૩૦૪, ૩૯૫ મુજબ.
 * રાજસ્થાન, રાજસમન્દ, કાંકરોલી પો.સ્ટે. ૯૪/૨૦૧૮, IPC ક. ૪૨૦, ૧૪૩, ૩૮૬, ૩૮૭, ૩૪૭, ૧૪૯ મુજબ.
દિલીપ માલદેભાઈ સાંજવાની 'મોડસ ઓપરેન્ડી' (MO):
આ કામના મુખ્ય ગુનાહિત કાવતરૂ ઘડનાર આરોપી દિલીપ માલદેભાઈ સાંજવા નગ્ન જોવાના ચશ્મા આપવાની લાલચ આપી ભોગ બનનારને ગોંધી રાખી ખંડણી ઉઘરાવવાનું, તેમજ સસ્તા ભાવે હીરા આપવાના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરી ગોંધી રાખી ખંડણી ઉઘરાવવાની, તેમજ ચોરી તથા લૂંટ કરેલ સોનાના દાગીનાની ખરીદી કરતા સોનીઓના સંપર્કમાં રહી અવાવરૂ વાડી વિસ્તારમાં રહેતા તેમજ પોતાના સગા-સંબંધીઓના ઘરની માહિતી આપી ધાડ, લૂંટ તથા અપહરણ કરી ખંડણી ઉઘરાવવા જેવા ગુના કરવાની એમ.ઓ. ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
આ સફળ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, મહેશભાઈ શિયાળ તથા WASI લાખીબેન મોકરીયા, રૂપલબેન લખધીર તથા HC ઉદયભાઈ વરુ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, વિપુલભાઈ ઝાલા, જીતુભાઈ દાસા તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. PC ગોવિંદભાઈ માળિયા, રોહીતભાઈ વસાવા વગેરે રોકાયેલ હતા.

 

(10:24 PM IST)