તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 3rd August 2025
'પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ' અને 'વૃક્ષારોપણ'નો સંદેશ : નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓને કપડાંની થેલીઓનું વિતરણ કરાયું
શાળાઓમાં પર્યાવરણ જાગૃતિનું અભિયાન : વિકાસ ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા પ્લાસ્ટિકના નુકસાન અંગે માર્ગદર્શન : ૨૨૬ વિદ્યાર્થીનીઓને કપડાંની થેલીઓ અપાઈ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બેડેશ્વર, ધરારનગર-૧, અને ખોળમીલના ઢાળિયા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નં. ૫૫ ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના પ્રમુખ શશિકાન્ત મશરૂના અધ્યક્ષ સ્થાને શાળાની વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 'પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ બંધ કરી કપડાંની થેલી અપનાવો' અને 'વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો' જેવા મહત્ત્વના સંદેશાઓનો પ્રચાર કરવાનો હતો. શશિકાન્ત મશરૂએ પ્લાસ્ટિક બેગ્સના ઉપયોગથી થતા ગંભીર નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને લોકોને તેના ઉપયોગથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે શાળાના આચાર્ય સંજયભાઈ ભાતેલિયાએ વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે, ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના પ્રમુખ દ્વારા શાળાની કુલ ૨૨૬ વિદ્યાર્થીનીઓને પર્યાવરણને અનુકૂળ એવી કપડાંની થેલીઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પહેલથી વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સંજયભાઈ ભાતેલિયા ઉપરાંત ચેતનાબેન ગોધાણી, ભાવિનાબેન વાછાણી, મિતલબેન ધરસંડિયા, ધારાબેન જાવીયા, મીનાબેન ચોવટિયા, જગદીશભાઈ આંબલિયા અને નિશાંતભાઈ ગોપયાણીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ૨૨૬ વિદ્યાર્થીનીઓને આઈસ્ક્રીમ આપીને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી, જે બાળકો માટે એક ખુશીની પળ બની રહી હતી.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
