<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવાયત : જામનગર થી રાજકોટ, ખંભાળિયા, લાલપુર અને કાલાવડ તરફ જવા માટેના નવા માર્ગ નો ઉપયોગ કરી પાંચ દિવસ માટેના રૂટ બનાવવા કાર્યવાહી

નગરના ગૌરવ પથમાર્ગ એટલે કે લાલ બંગલા થી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે એક પણ એસટી બસ નો રૂટ ચાલુ ન રહે, અને અન્ય સ્થળેથી કન્વર્ટ કરીને એસટી બસને લઈ જવા માં આવે, તે માટેની કવાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ :  જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી ૧૦ મી ઓગસ્ટ થી સાતમ આઠમ સહિતના તહેવારોને અનુલક્ષીને શ્રાવણી લોકમેળો યોજાઇ રહ્યો છે, ત્યારે બાજુમાં જ આવેલા હંગામી એસટી બસ ડેપો પરથી બસો ની અવરજવર માટે કોઈ તકલીફ ન પડે,તે માટે એસટી બસના રૂટો કન્વર્ટ કરવામાં આવ્યા છે, અને જામનગર થી રાજકોટ તથા ખંભાળિયા, લાલપુર અને કાલાવડ તરફ જવા માટે અલગ અલગ રૂટો પરથી એસટી બસો ને કન્વર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં મેળાના મુખ્ય પાંચ દિવસ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે. અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં તે પ્રકારે નું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.

 

 જામનગર જિલ્લાના વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પોલીસ વડા અને તેઓની ટીમ, શહેરની ટ્રાફિક શાખા વગેરે ના સંકલન ના આધારે તેમજ એસ.ટી. ડિવિઝન સાથે પરામર્શ કરીને એસટીના નવા રૂટ નક્કી કરવાની પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે.

 આગામી ૧૦ મી ઓગસ્ટ થી પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાતો હોવાથી નગરના ગૌરવ પથમાર્ગ એટલે કે લાલ બંગલા થી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે એક પણ એસટી બસ નો રૂટ ચાલુ ન રહે, અને અન્ય સ્થળેથી કન્વર્ટ કરીને એસટી બસને લઈ જવા માં આવે, તે માટેની કવાયત કરવામાં આવી છે.

 જેમાં મેળા ના મુખ્ય પાંચ દિવસો એટલે કે ૧૦ ની તારીખથી લઈને ૧૫ ઓગસ્ટ  સુધીના સમયગાળા દરમિયાન જામનગર થી રાજકોટ જવા માટે હંગામી એસટી ડેપો થી નીકળેલી એસટી બસ  મિગકોલોની તરફ જંગલેશ્વર મહાદેવના મંદિર, અને ત્યાંથી જુની આરટીઓ કચેરી, કુમાર મંદિર સ્કુલવાળો ઢાળીયો, અથવા તો ભીડભંજન મહાદેવ મંદિર સામે નો સ્પોર્ટસ કોમ્પલેક્ષ વાળો રોડ અને ત્યાંથી ટાઉનહોલ થઈ તમામ એસટી બસ રાજકોટ તરફ રવાના કરાશે.

 જ્યારે રાજકોટ તરફથી આવતી એસટી બસો કે જે ગુલાબ નગર થી ઇન્દિરા માર્ગ અંબર સિનેમા અને ત્યાંથી પંચવટી, શરૂ સેક્શન રોડ, પાયલોટ બંગલા થઈને સાત રસ્તા અને ત્યાંથી મિગકોલોનીના માર્ગે થઈને નવા હંગામી એસટી ડેપો પર પહોંચશે.  મુખ્ય મેળાના પાંચ દિવસો સાતમ આઠમ દરમિયાન એસટી બસ લાલ બંગલા તરફથી નહીં ચાલે અને તેના રૂટ કન્વર્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

 આ ઉપરાંત જામનગર થી ખંભાળિયા જવા માટે મિગકોલોની થી જુના એસટી ડેપો રોડ અને ત્યાંથી સાત રસ્તા થઈને ખંભાળિયા તરફ જશે, અને ત્યાંથી જ બસ ફરી મિગકોલોની થઈને હંગામી એસટી બસ ડેપોના સ્થળે પહોંચશે.

  આ ઉપરાંત લાલપુર તરફ જતી એસટી બસ મિગકોલોની તરફના માર્ગેથી નીકળીને દિગ્વિજય પ્લોટ તરફ અને ત્યાંથી પવનચક્કી, રણજીતો સાગર રોડ થઈને લાલપુર રવાના થશે, અને ત્યાંથી જ પરત ફરશે.

 કાલાવડ નો એસટી બસનો રૂટ કે જે દરબાર ગઢ કાલાવડ નાકા થઈને કાલાવડ તરફ જાય છે, તેને હાલ કન્વર્ટ કરી દેવાયો છે, અને મિગ કોલની થી ટાઉનહોલ તરફ થઈને રાજકોટ તરફ અને ત્યાથી ગુલાબ નગર બાદ મહાપ્રભુજીની બેઠક પાસે ના રસ્તે થી કન્વર્ટ કરીને ત્યાંથી કાલાવાડ ત્યાંથી આવનારી બસો ફરીથી રાજકોટની માફક પરત ફરશે. તે પ્રકારે નું  આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ,અને તેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે. જેની અમલવારી આગામી ૧૦ મી ઓગસ્ટથી થશે, અને તે સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વિશેષ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.

(12:21 PM IST)