News of Wednesday, 6th August 2025
ધ્રોલના જ્યોતિ પાર્ક વિસ્તારમાંથી ૨૦ વર્ષીય યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬ : ધ્રોલ શહેરના જ્યોતિ પાર્ક વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય સતવારા યુવતી ગત તા. ૦૪ ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી કહ્યા વગર ક્યાંક ચાલી જતાં પરિવાર ચિતામાં મુકાયો છે. બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં યુવતીનો કોઈ પત્તો ન લાગતાં આખરે પરિવારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
આ બનાવ અંગેની વિગત મુજબ, ધ્રોલના જ્યોતિ પાર્ક, શેરી નં. ૫ માં રહેતા અને ખેતીકામ કરતા ઘનજીભાઈ રૂડાભાઈ નકુમ દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે કે તેમની ૨૦ વર્ષીય પુત્રી વૈભવીબેન, તા. ૦૪/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૪૫ થી બપોરે ૦૧:૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે. યુવતી જામનગર-રાજકોટ હાઇવે પર આવેલી બાવની નદીના પુલ પાસેથી જ્યોતિ પાર્ક સોસાયટી તરફ જવાના રસ્તેથી ગુમ થયેલ છે.
પરિવારે તેમની પુત્રીની તમામ સંભવિત સ્થળોએ, સગા-સંબંધીઓ તથા પાડોશીઓમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, પરંતુ આજાદિન સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
આ બનાવની નોંધ ધ્રોલ પોલીસે ગુમ કરી છે અને એ.એસ.આઇ. ડી.એમ. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ પો. હેડ કોન્સ. સી.જે. જાડેજાને સોંપી છે. જો કોઈને આ યુવતી વિશે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા પરિવારનો સંપર્ક કરવા વિનંતી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
