<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

જેતપુરમાં ચોરાયેલી લાખોની કિંમતની મગફળીનો ભેદ ઉકેલાયો

NAFED ની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતાઃપોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો

રાજકોટ, તા,૭

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગતવર્ષ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદેલી કરોડો રૃપિયાની મગફળી NAFED દ્વારા વેરહાઉસમાં (ગોડાઉનમાં) રાખવામાં આવી હતી. જેમાંથી ૩૧,૬૪,૯૫૬ લાખ રૃપિયાની ૧૨૧૨ બોરીઓ મગફળી ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો અને NAFED ની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો છે. પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી રાખે છે, ત્યારે જ્યાં NAFED દ્વારા કરોડો રૃપિયાની મગફળી રાખવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લગાવવામાં આવ્યા, ચોરીનો મામલો સામે આવતા રાતોરાત સીસીટીવી લગાડવામાં આવ્યા.

ગુજકોમાસોલ દ્વારા વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તક ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી. ખરીદી કરેલ મગફળી NAFED ને આપવામાં આવેલ અને તે મગફળીને જુદાજુદા ગોડાઉનમાં ભાડે રાખી તેમાં રાખવામાં આવી હતી. જેમાં જેતપુરમાં જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલ ગિરિરાજ વેરહાઉસમાં (ગોડાઉનમાં) ૫૬,૭૦૦ ગુણી રાખવામાં આવી હતી, જેની કિંમત કરોડો રૃપિયા થાય છે. તેમાં અમદાવાદની શ્રી રામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તેમજ વેરહાઉસની દેખરેખ માટે NAFED દ્વારા અમિત ગીલ્લાની મેનેજર તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓના નામ

૧. સહજ તારપરા - મુખ્ય આરોપી

૨. જૈમીન ઉર્ફે બાઠીયો બારૈયા - પૂર્વ સિક્યુરિટી ગાર્ડ

૩. મિહિર ઉર્ફે મિલો વેકરિયા - સિક્યોરિટી ગાર્ડ

૪. બિપિન ઉર્ફે લાલો મકવાણા - સિક્યુરિટી ગાર્ડ

મેનેજરની બદલી થતા તેની જગ્યાએ સંદીપકુમાર કડવાસરાની નિમણુંક થતાં વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલા મગફળીની ગુણીઓનું ફિઝિકલ વેરીફીકેશન કરવાનું થતું હોવાથી આ બંને મેનેજર ફીઝીકલ વેરીફીકેશન માટે ગિરિરાજ વેરહાઉસ (ગોડાઉન) જઇ ત્યાં ગણતરી કરતા ૫૭૬૦૦ મગફળીની ગુણીમાંથી ૧૨૧૨ જેટલી ગુણીઓ ઓછી થતી હતી. જેથી મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશને આવીને ડિસેમ્બર ૨૦૨૪ થી જૂન ૨૦૨૫ સુધી છ થી આઠ મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ૧૨૧૨ ગુણી મગફળી કિંમત રૃપિયા ૩૧,૬૪,૯૫૬ની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.

જેતપુર તાલુકા પોલીસે મગફળી ચોરીની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી વેરહાઉસના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહિર ઉર્ફે મિલો દુર્ગેશભાઈ વેકરીયાની પૂછપરછ કરતા મગફળી ચોરીનો પર્દાફાશ થયો હતો. જેમાં મિહિરે બાજુના ગોડાઉનના ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો ધીરુભાઈ મકવાણા અને આ જ વેરહાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જૈમીન ઉર્ફે બાઠીયો ભરતભાઈ બારૈયા સાથે દેરડી ગામનો સહજ રામજીભાઈ તારપરા નામના શખ્સ દ્વારા જુદાજુદા સમયે ટ્રેકટર તેમજ અલગ અલગ વાહનોની મદદથી મગફળીની ચોરી કરી હતી. જેથી પોલીસે બિપિન, જૈમીન અને સહજની પણ ધરપકડ કરી હતી.

આરોપીઓ ગોડાઉનમાં જ NAFED ની મગફળીની બોરીઓની બદલી અન્ય બોરિંઓમાં મગફળી ભરી માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય જગ્યાએ વેચતા હતા. સાથે અલગ અલગ સમયે મગફળીની બોરીઓનું વેચાણ કરતા હતા. સાથે મગફળીની ચોરી કરનાર આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ ૧૫ લાખ ૩૫ હજાર ટ્રેક્ટર મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

બીજીબાજુ પોલીસે વેરહાઉસ મેનેજર સાથે સ્થળ પર વિડીયોગ્રાફીથી પંચરોજકામ કરી ડોગ સ્કોડ મદદથી ચોરીની તપાસ હાથ ધરી હતી,અને બીજું સૌથી અગત્યની વાત કે વેરહાઉસમાં સીસીટીવી કેમેરા હોય તે જ નાફેડ ભાડે રાખે છે

પરંતુ અહીં સીસીટીવી કેમેરા ન હતા જે અંગે મેનેજરને પૂછતાં તેઓએ સ્વીકાર્યું હતું કે નાફેડના નિયમોમાં ફરજીયાત સીસીટીવી કેમેરા રાખવાનું છે અને અહીં કેમેરા ન હતા તે બાબતે વેરહાઉસ માલિકને નોટીસ આપી હતી,

આરોપીઓ જલ્દી પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચડ્યા પરંતુ આરોપીઓને પૈસા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૃરથી મળી છે,

(10:31 PM IST)