<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વાંકાનેરના ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદ : મુખ્ય કાવતરાખોર સરફરાઝ મકવાણા સહિત ઇમરાન છબીબી અને ઇનાયત પીપરવાળીયાને સજા

મોરબી સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો : મોબાઈલ કોલ અને લોકેશન સહિતના પુરાવાઓ પરથી આરોપીઓને ગુનેગાર ઠેરવી સ્પે. પી.પી. ભગીરથસિંહ ડોડીયાની દલીલો માન્ય રાખી

મોરબી: વાંકાનેર શહેરના ચકચારી અમિત ઉર્ફે લાલા અશ્વિનભાઈ કોટેચાની હત્યા કેસમાં મોરબી સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. મુખ્ય કાવતરાખોર સરફરાજ હુશેનભાઈ મકવાણા, ઈમરાન ફારૂકભાઈ છબીબી અને ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઈ પીપરવાળીયાને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં સરકારી પક્ષે દલીલો રજૂ કરી રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) ભગીરથસિંહ ડોડીયાની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
બનાવની વિગત
આ ઘટનાની ફરિયાદ મૃતક અમિત ઉર્ફે લાલાના ભાઈ હિમાંશુ અશ્વિનભાઈ કોટેચાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૧/૯/૨૦૨૨ના રોજ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, અમિતે તેના ભાઈને બે-ત્રણ દિવસ પહેલાં સરફરાજ અને ઈમરાને સુરેશ બાવાજીને આપેલ વ્યાજની રકમની ઉઘરાણીમાં પોતે વચ્ચે પડવાથી તેઓ માથાકૂટ કરશે તેવી વાત કહી હતી. ત્યારબાદ, બનાવની રાત્રિના ૧:૦૦ વાગ્યે અમિતના પિતરાઈ ભાઈ વિરલ પ્રદીપભાઈ બુદ્ધદેવનો ફોન આવ્યો કે અમિત લોહીલુહાણ હાલતમાં પડેલ છે. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે અમિત ગંભીર ઇજાઓ સાથે પડેલો હતો.
એકમાત્ર પ્રત્યક્ષદર્શી સાક્ષી
આ કેસમાં વિરલ બુદ્ધદેવ એકમાત્ર પ્રત્યક્ષદર્શી સાક્ષી હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે ઈમરાન છબીબી અને ઇનાયત પીપરવાળીયાએ સુરેશ ગોંડલીયાની વ્યાજની બાબતે અમિત સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગુપ્તી અને છરી જેવા જીવલેણ હથિયારોથી અમિત પર હુમલો કર્યો હતો. હુમલા બાદ તેઓએ ભાગતા ભાગતા મુખ્ય કાવતરાખોર સરફરાજ મકવાણાને ફોન કરીને જાણ કરી હતી કે "લાલાનું પુરુ કરી નાખ્યું છે."
પુરાવા અને દલીલો
પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે SPP ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક કરી હતી. કોર્ટમાં કુલ ૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેમાં નજરે જોનાર સાક્ષી વિરલ બુદ્ધદેવ, સુરેશ ગોંડલીયા, ફોરેન્સિક અધિકારી, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર, અને પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
SPP ભગીરથસિંહ ડોડીયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી નં. ૩ સરફરાઝે વ્યાજની ઉઘરાણી માટે ઈમરાન અને ઇનાયતને મોકલ્યા હતા અને અમિત વચ્ચે પડતો હોવાથી તેની હત્યા કરવાનો હેતુ હતો. આ વાતને મૃતકે પોતે ફરિયાદ કરતા પહેલાં તેના ભાઈને જણાવી હતી અને સુરેશ ગોંડલીયાએ પણ સમર્થન આપ્યું હતું. સૌથી મહત્ત્વનો પુરાવો એ હતો કે હત્યા બાદ ઘટનાસ્થળ પરથી જ આરોપીઓએ સરફરાઝને ફોન કર્યો હતો અને આ વાત મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ્સ દ્વારા સાબિત થઈ હતી. સરફરાઝ આ કોલ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો.
કોર્ટનો ચુકાદો
બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ, મોરબીના એડી. સેશન્સ જજશ્રીએ ઉપરોક્ત તમામ પુરાવાઓ ધ્યાને લીધા. તેમણે ત્રણેય આરોપીઓને અમિતની હત્યાનું કાવતરું ઘડવા અને હત્યા કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફરમાવી છે. કોર્ટે ઇમરાન છબીબી અને ઇનાયત પીપરવાળીયાને હત્યા (કલમ ૩૦૨) અને સરફરાજ મકવાણાને મુખ્ય કાવતરાખોર (કલમ ૧૨૦-બી) તરીકે દોષિત ઠેરવ્યા હતા. મૂળ ફરિયાદી પક્ષે એડવોકેટ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા રોકાયા હતા. આ ચુકાદાથી મૃતકના પરિવારને ન્યાય મળ્યો છે.

 

(1:36 PM IST)