News of Monday, 11th August 2025
મોરબીની ગોજારી "મચ્છુ જાળહોનારત"ની આજે ૪૬ મી વરસી : સામુહિક અગ્નિસંસ્કારના દ્રશ્યો ભલભલાના કાળજા કંપાવી દેનારા હતા
અગણિત માનવ ઝીંદગીઓને એક થપાટે મોતને ઘાટ ઉતારવા સાથે હજારો અબોલ પશુઓની બલી લેનાર એ કાળની ક્રૂરતા, વિધિની વક્રતા અને મચ્છુ જાળહોનારતની નિર્દયતા અને મોતના તાંડવને યાદ કરતા આજે પણ રૂંવાડા ખડા થઇ જાય છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૧ : અગણિત માનવ ઝીંદગીઓને એક થપાટે મોતને ઘાટ ઉતારવા સાથે હજારો અબોલ પશુઓની બલી લેનાર એ કાળની ક્રૂરતા, વિધિની વક્રતા અને મચ્છુ જાળહોનારતની નિર્દયતા અને મોતના તાંડવને યાદ કરતા આજે પણ રૂંવાટા ખડા થઇ જાય છે.
સમયની વહેતી રફ્તારમાં મોરબી નગરીને મોતનું તાંડવ રચી મસાણનગરી બનાવી બનાવી દેનાર એ ગોજારી મચ્છુ જાળહોનારતને જોતજોતામાં આજે ૪૬ વર્ષના વ્હાણા વાઈ ગયા, મચ્છુ ના એ કાળમુખા નીર આવ્યા ને ઓસરી પણ ગયા. પણ જેમના પોતાના પરિવારજનોને આ જળ હોનારતની એક થપાટે કાયમ માટે મોતની સોળ તાણી સુવડાવી દીધા એ પરિવારની આંખોમાં આજના દિવસે અશ્રુઓના ઘોડાપુર ઉમટી આવે છે.
એ કાળની વેદી પર લખાયેલ કલંકિત તારીખ હતી ૧૧/૮૧૯૭૮ ને સમય હતો બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાનો. ત્રણ ચાર દિવસથી મેઘો અનરાધાર વરસી રહયો હતો શહેરમાં લગભગ અડધી બજારો બંધ અને વરસાદ સુસવાટા મારતા પવનથી શહેરમાં કર્ફ્યુ જેમ શહેર સુનકાર ભાસી રહ્યુ હતુ લોકો મને કમાને ઘરમાં પુરાઈ આરામ કરી રહ્યા હતા. તેવામાં કોઈ કોઈ ઘરોમાં આવનારા જન્માષ્ટમીની વાનગીઓ પણ બની રહી હતી કારણકે આ દિવસે બોળચોથ હતી અને બે દિવસમાં ચૂલા ઠારવાનાં હતા.
લગભગ બપોરે પોણા ત્રણ વાગ્યાના એ શાંત વાતાવરણમાં શેરી ગલીઓમાં " ભાગો.. ભાગો.. પૂર આવ્યુ.. ડેમ તૂટ્યો ની બુમાબુમો થવા માંડી.
"જાન બચી તો લાખો પાયે" એ કહેવતની જેમ ઘરમાંથી દોડતા દોડતા લોકો જે હાથ લાગ્યુ તેને લઇ પોતાના જીવ બચવવા કોઈ આશ્રય સ્થાન શોધતા પાગલની જેમ મુઠીઓ વાળી જાન બચવવા મથતા રહ્યા.
પરંતુ મચ્છુ ના એ પ્રચંડ જલપ્રવાહની એ રોકેટ ગતીએ મિનિટોમાં જ શહેરને બાનમાં લઇ લીધું. અને જોતજોતામાં હજારો હરતી, ફરતી, જીવતી જીનગીઓ પર નિર્દયતાથી મોતની મહોર લગાવી કાયમ માટે સોળતાણી સુવડાવી દીધા.
પૂરના પાણી ઓસરવા સાથે અવની પર અંધકારના ઓળા પણ ઉતરી આવ્યા. વીજળી ગુલ જ્યાં જે લોકો હતા તે ત્યાંજ રાતવાશો કરવા મજબુર હતા કારણ અંધકારમાં કોઈ બાજુમાં ઉભું હોય તો પણ દેખાય નહી. અને જાય તો પણ ક્યાં? આખા શહેરમાં સાથળ સમા ગારા કીચડ હતા. જે પોતાના ધાબા પર કે મકાનના નળિયા પર હતા તે ત્યાંજ ભૂખ્યા તરસ્યા રહેવા મજબુર બન્યાતા તે સિવાય કોઈ રસ્તોજ નહોતો.
ગોજારી મચ્છુ ના એ મોતના તાંડવ બાદ આખી રાત અંધકારમય એ શાંત વાતાવરને બિહામણું બનાવી દેતા અને વાતાવરણને ગમગીન બનાવનારા રુદનના સુર સંભળાતા હતા. અને આ જળતાંડમાં ગુમ કોઈ સુહાગણ ના ભરથારના, તો કોઈ માંડીના એકના એક લાલના તો કોઈ રાખડી બાંધનાર બેનડીના ભઈલાને કોઈ બેઠેલા લોકોના હૈયફાટ રૂદન જ્યાં જુઓ ત્યાં મરસિયા... કોણ કોને છાનું રાખે.. ઘેર ઘેર કાણ હતી, ઘેર ઘેર મોકાણ હતી.
બીજા દિવસે સૂર્યનારાયણ ના આગમનથી ઉજાસ પથરાયો, ને વિખુટા પડેલાની શોધમાં નીકળી પડ્યા સ્વજનો. પણ ક્યાં જાય રોડ રસ્તા શેરીઓમાં ત્રણ ત્રણ ફુટ કાદવ કીચડ અને તેમાં પડેલા મૃત પશુઓ, માનવીઓ કેમ પગ ઉપડે આગળ.
અહીં લાશ, ત્યાં લાશ, જ્યાં જુઓ ત્યાં લાશુના ખડકલા અરે એ લાશોને અગ્નિદાહ માટે લાકડા પણ ક્યાં હતા એ લાશોની સંખ્યા સામે સ્મશાન ટૂંકું પડ્યુ હતુ, અને પેટ્રોલ છાંટી કરવામાં આવતા એ સામુહિક અગ્નિસંશકારના દ્રશ્યો ભલભલાના કાળજા કંપાવી દેનારા હતા.
મોરબી શહેરમાં પતાના મહેલની જેમ ઘસમસમાં પુરમાં જમીનદોસ્ત થતી ઇમરતો, વેપારી સંકુલો દુકાનો, કારખાનાથી શહેર ખંઢેરમાં ફેરવાઈ ગયુ હતુ.
તો બીજી બાજુ મોરબીમાં આ પુરમાં મૃત્યુ પામનારઓનો આંક મેળવવો પણ મુશ્કેલ હતો.
આના માટે બબ્બે તપાસ સમિતિઓ નિમાઈ પણ સવાલ આજે પણ ત્યાંનો ત્યાંજ છે. કે જાળહોનારતમા કેટલા મોત થયા.
તત્કાલીન ગુજરાતના મુખમંત્રી બાબુભાઇ જસુભાઈ પટેલ હોનારતની નુકસાની બાદ વહેલામાં વહેલુ મોરબી બેઠું કરવા અહીં રોકાયા હતા અને સચિવાલય પણ અહીંથી ચલાવતા હતા.
(8:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
