News of Tuesday, 12th August 2025
કચ્છમાં આવેલ પૌરાણિક પાંડવ કાલીન નિલાગર મહાદેવ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા ધારાસભ્યની હૈયાધારણા
પાંડવપુત્ર નકુલ દ્વારા શિવલિંગની રચના અને પૂજાનો લોકવાયકા ધરાવતો ઇતિહાસ, ઘુડખર અભયારણ્યમાં આવેલ આ શિવમંદિર માટે ધારાસભ્યએ ફાળવી ત્રણ લાખની ગ્રાન્ટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨
પૂર્વ કચ્છનો વાગડ વિસ્તાર પાંડવ કાલીન વિરાટ નગરી સાથે સંકળાયેલો હોવાની દંતકથા ધરાવે છે. રાપર તાલુકામાં આવેલા અહીંના ગ્રામ્ય વિસ્તારમાં પાંડવો ગુપ્તવાસ દરમિયાન ગેડી, રવેચી, બેલા, નાગતર, આડેસર ગામ ઉપરાંત રાપરમાં વન ભ્રમણ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ગેડી થી બેલા ગામ નજીક આવેલા અરવલ્લી ની ગિરિમાળા સમાન ડુંગરમાં ભોયરા દ્મધ્યે નિલાગર મહાદેવ મંદિર કે જેમાં શિવલિંગ પાંડવ પુત્ર નકુલ દ્વારા રચના કરી શિવ પુજા કરવા માટે આવતા હતા એવી લોકવાયકા છે. એવા આ નિલાગર મહાદેવનો વાગડ વિસ્તારમાં અનેરો મહિમા છે. ત્યારે ગિરિમાળના વનરાવન વિસ્તારમાં આવેલા આ રમણીય સ્થળ પર આજના સમય ની કોઈ ભૌતિક સુવિધાઓ નથી, ધુડખર અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા આ સ્થળ પર જવા માટે કોઈ પાકી સડક નથી. પરંતુ કુદરતી વાતાવરણમાં શિવમય બની જવાય એવા આ પૌરાણિક સ્થળે યાત્રાળુઓ માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ મુલાકાત લીધી હતી. તેમણે ત્રણ લાખ ના ખર્ચે શેડ બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયાની ફાળવણી કરી હતી. ધારાસભ્ય શ્રી જાડેજાએ આ સ્થળ ને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. નિલાગર મહાદેવના મંદિરના વિકાસ અર્થે ધારાસભ્ય દ્વારા કરવામા આવેલ જાહેરાતના પગલે શ્રધ્ધાળુઓમા આનંદની લાગણી ફેલાઇ છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
