News of Tuesday, 12th August 2025
મોરબીમાં ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતાં સતિષભાઇ બારોટનું મોત
ત્રીસ વર્ષના યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પુત્ર-પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૨: મોરબીમાં ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. પરમ દિવસે રાત્રીના યુવાન ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતો સતિષભાઇ હરિભાઇ બાંભણવા-બારોટ (ઉ.વ.૩૦) નામનો યુવાન રવિવારે રાતે સાડા દસેક વાગ્યે ભડીયાદ કોર્ટ નજરબાગ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર પાટા ઓળંગતો હતો ત્યારે ડેમુ ટ્રેન આવી જતાં ઠોકરે આવી જવાથી ગંભીર ઇજા થઇ હતી. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર સતિષભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. સગાના કહેવા મુજબ ઘટના ખરેખર કઇ રીતે બની તેની અમને જાણ નથી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં મોરબી બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
